દેશી ધમાચકડી

કિષ્ના, પ્લીઝ સ્પોઈલ ધ મૂવી

Posted in ગમ્મત, હાસ્ય by અશ્વિન on ઓગસ્ટ 11, 2011

હું અને મારો મિત્ર, કુટુંબ-કબીલા સાથે, ફિલ્મ “ઝિંદગી ના મિલેગી દોબારા” જોવા ૨-૩ અઠવાડિયા પહેલા ગયા હતા.
ફિલ્મ બહુ જ કંટાળાજનક છે. લોકો ને શું હવે કોઈ નવી થીમ નહી મળતી હોય કે એ જ ચીલાચાલુ વસ્તુ પીરસ્યા કરે છે?
આખા મુવીનો કોઈ એવો ટ્રેક જ નથી કે આપણ ને એમ થાય કે અંત સુધી આ જોઈએ.
ફિલ્મ પૂરી થઇ જાય ત્યારે આપણ ને લાગે કે અત્યાર સુધી આપણ ને શું કામ બેસાડ્યા હતા અને આ ક્યારેય બરાબર ચાલુ જ થઇ ના હતી ત્યાં તો પૂરી પણ થઇ ગઈ.
૩ જણા ૩ રમતો રમે કે જેને “એડવેન્ચર સ્પોર્ટસ” કહે છે.
એક જણ ને થોડા સમય પછી અવઢવ થાય કે પોતાનું વેવિશાળ તો થયું પણ લગ્ન કરી શકે એ માટે એ ઢાંઢો હજી તૈયાર નથી.
બીજો એક જણ પોતાના અસલી પિતા ને શોધ્યા કરે છે અને મળ્યા પછી ખબર પડે છે કે એ લસણ નોતો મળ્યો એ જ બરાબર હતું.
ત્રીજો માણસ પોતાના ધંધા/બિઝનેસ પાછળ ગાંડો છે અને ઘણા બધા પૈસા કમાઈને ૪૦ વર્ષ પછી તેને નિવૃત્ત થવું છે.
બધી કંટાળાવાળી ડાયલોગબાજી માં વચ્ચે વચ્ચે હથોડાછાપ શાયરીઓ/કવિતાઓ આવ્યા કરે પાછી.
આ બધું ચાલી રહ્યું હતું ને અમે “હવે આવ્યા જ છીએ તો પૂરું કરીએ” ના ધોરણે બેઠા હતા.
તે દરમિયાનમાં એક મસ્ત મજા નો પ્રસંગ બની ગયો અને થિયેટર માં બેઠેલા બધા પ્રેક્ષકો ખડખડાટ હસી પડ્યા(અત્રે નોંધનીય છે કે આ થિયેટર ગુજરાતીઓ નું ગઢ ગણાય એવા વિસ્તાર માં આવેલું હોવાથી મોટા ભાગ ના પ્રેક્ષકો ગુજરાતી હતા).
જયારે ફિલ્મ શરૂ થાય ત્યારે આપણે બધાએ પેલી “પ્લીઝ, ડોન્ટ સ્પોઈલ ધ મૂવી બાય એડીંગ યોર ઓન સાઉન્ડટ્રેક” વાળી જાહેરાત તો જોઈ જ હશે.
ઘણા સ્ટેન્ડઅપ કોમેડીયનોને અમુક ડાયલોગબાજીમાં પોતાના ડાયલોગ ઘુસાડીને મિમિક્રી કરતા પણ આપણે જોયા/સાંભળ્યા જ છે.
પણ ખરેખર એવું ચાલુ મુવી માં અજાણતા બને ત્યારે તે કેટલો આનંદ આપે એનો અનુભવ આ વખતે થયો.
બન્યું એવું કે, એક વધુ પડતું ગંભીર(!!), એક પુત્ર(ફરહાન) અને તેના નાજાયઝ બાપ(!!)(નસીર) વચ્ચે ના બોરિંગ સંવાદ વાળું, દ્રશ્ય ચાલી રહ્યું હતું અને બધા ને બગાસા આવતા હતા.
તે જ વખતે મારા મિત્ર ના બંને પુત્રો, આર્યન અને કિષ્ના, પાણી ની બોટલ માટે કંઈક ઝગડતા હતા. એ લોકો નું ઝગડવાનું જો કે શાંતિ પ્રિય રીતે, બીજા લોકો ને ના સંભળાય એમ, ચાલતું હતું.
પણ અચાનક કિષ્નાનો બાટલો ફાટ્યો હશે કે તેનો અવાજ એક શબ્દ માટે જરા મોટો થઇ ગયો અને ફિલ્મ માં ચાલતા સંવાદ સાથે સરસ રીતે મિશ્ર થઇ ગયો કે જેને લીધે હાસ્ય ની એક લહેરખી પ્રસરી ગઈ.
આ રહ્યો એ ગંભીર સંવાદ:

नसीर:   तुम्हारे बारें में कई दफा सोचा मैंने…की…कभी न कभी, कही न कही शायद तुमसे मुलाकात होगी. पर ये नहीं समज पाया कभी भी की तुमसे मिलूँगा तो कहूँगा क्या.

फरहान:    सच कहिये.

नसीर:    सच होता क्या है. सब का अपना अपना वर्ज़न होता है सच का.
लुक, में पच्चीस साल का था. राहिला शायद मुझसे १-२ साल छोटी थी. उस उम्र से किसको ख्याल आता है कल का. We were just kids.
एक दिन राहिला ने मुझे बताया की She is expecting a baby. में उस जिम्मेदारी के लिए तैयार नहीं था. अब भी नहीं हूँ.

કિષ્ના:    ખોટું બોલે છે.

Advertisements

દેવ, ચૂપ રહેવું, જમવું ને એવું બધું…

Posted in ગમ્મત, દેવ, હાસ્ય by અશ્વિન on ડિસેમ્બર 30, 2010

હું, મારો ૫ વર્ષનો પુત્ર દેવ અને ઇંડિયા થી હમણાં આવેલા મારા પપ્પા, કાલે જ પૂરી થયેલી ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચ ની હાઈલાઈટ્સ જોતા હતા.
ક્રિકેટ માં હજુ નવી નવી (અ)સમજણ ધરાવતા દેવ ને ચોક્કા-છગ્ગા મારે તો જ મજા આવે બાકી થોડી વાર બેસી ને ઉભો થઇ જાય અને એની પ્રવૃત્તિ ચાલુ કરી દે.
હાઈલાઈટ્સ જોતા જોતા રાબેતા મુજબ દેવ ના સવાલો નો મારો ચાલુ હતો.
હું મોટા ભાગે ભોળા(!) અને નિર્દોષ ભાવે એના લગભગ બધા સવાલો ના જવાબો આપવાની બાહોશ કોશિશ કરતો હોવ છું અને સાથે સાથે એ પણ ધ્યાન રાખતો હોવ છું કે જવાબ આપતી વખતે નાના છોકરા ને પટાવતા હોઈએ એમ જવાબો ના ગોટા ના વાળું પણ હકીકત માં જે સાચું હોય તે સમજાવવાનો પ્રયત્ન કરું.

તો આ રહ્યા દેવના સવાલો, મારા જવાબો અને દેવના પ્રતિ-સવાલો:

સ: આણે કેમ હેલ્મેટ પહેરેલી છે અને બીજા બધાએ નથી પહેરી?
જ: એ બેટિંગ કરે છે ને એટલે એના તરફ સ્પીડ માં બોલ આવે ત્યારે એને વાગી ના જાય એટલે. બીજા બધા ફિલ્ડીંગ કરે અને બોલ આવે ત્યારે પકડવાનો હોય.

સ: (શોર્ટ લેગ પર હેલ્મેટ પહેરી ને ઉભેલા પુજારા ને જોઈ ને) તો આની પાસે તો બેટ નથી તોયે એણે કેમ હેલ્મેટ પહેરી છે?
જ: એણે એકદમ બેટ્સમેન ની નજીક ઉભું રહેવાનું હોય એટલે બોલ વાગી ના જાય એટલે.

સ: આણે કેમ પાટો બાંધ્યો છે? એને વાગ્યું હોય એટલે?
જ: ના એણે હાથ ના પેડ બાંધ્યા છે, હાથ માં વાગે નહિ ને એટલે.

સ: આ કોણ છે? (૨-૩ ખેલાડી સામે જોઈ ને)
જ: આ સચિન છે, આ ઝહિર ખાન છે, આ ધોની છે.

સ: (એ સવાલ કે જેનો પ્રતિ-સવાલ એકદમ અઘરો હતો અને જેણે મને આ પોસ્ટ લખવા પ્રેર્યો, હજી હસવું આવે છે) શ્રીસાંત(કે શ્રીસંત) સામે જોઈ ને, આ કોણ છે?
જ: એ શ્રીસાંત છે.

સ: (૫-૧૦ સેકંડ પછી) કેમ એ ચૂપ રહે એટલે?
જ: …….. (મને ખબર ના પડી એના બાઉન્સર સવાલ ની અને મારું ધ્યાન જોવામાં હતું)

સ: કેમ પપ્પા, એ ચૂપ જ રહેતો હોય એટલે?
જ: ના એ ક્યાં ચૂપ રહે છે. એ તો બહુ ધમાલ કરે.

હવે મારી પત્ની જે અત્યાર સુધી મૂક હતી, એને દેવ નો બાઉન્સર સમજાયો અને મને સમજાવ્યું.
હું શ્રીસાંત એમ બોલ્યો, એમાં પાછળ નો “સાંત” શબ્દ દેવ ને “શાંત” જેવો લાગ્યો.
એટલે એને થયું કે આ બાળક એની સરખામણીમાં વધુ શાંતિ રાખતો હશે અને ચૂપ રહેતો હશે.
તેથી તેણે ઉપર મુજબ નો સવાલ કર્યો. અમે લોકો એટલું હસ્યા કે હજુ આજે પણ એ પ્રસંગ યાદ કરી ને હું હસું છું.

આગળ વધીએ:
સ: (લંચ ના સમય પર બધા ખેલાડી ચાલવા માંડ્યા એ જોઈ ને) આ બધા ક્યાં જવા માંડ્યા?
જ: લંચ નો સમય થયો એટલે બધા જમવા જાય છે.

સ: એ લોકો પણ જમે?
જ: જમે તો ખરા જ ને બેટા. બરાબર જમે નહિ તો બરાબર રમી ના શકે.

સ: ક્યાં જમવા જાય એ બધા?
જ: ત્યાં એનો અલગ રૂમ હશે જમવા માટેનો એમાં.

સ: એ લોકો શું જમે?
જ: એ તો એ લોકો જે ખાતા હોય એ હશે બધું, રોટલી ને શાક ને એવું બધું…

સ: આપણને કેમ નથી બતાવતા એ લોકો જમે તે.
જ: (મન માં કીધું આપણે અહી એ લોકો ક્રિકેટ રમે એ જોવાના પૈસા અને સમય ખર્ચીએ છીએ, નહિ કે એ લોકોએ ગળચવા માટે કઈ પદ્ધતિ વિકસાવી છે એ જોવા…) આપણ ને એ ના બતાવે બેટા. એ લોકો રમતા હોય એ જ બતાવે.

દિવાળીનું અનોખું આશ્ચર્ય…

Posted in અંગત, ગમ્મત, દિવાળી, શું વાત કરો છો, હાસ્ય by અશ્વિન on નવેમ્બર 12, 2010

દિવાળીમાં ઘણા લોકો ને અલગ અલગ અનુભવો કે આશ્ચર્યો થતા હોય છે.
મને પણ એક આવો અનુભવ આ દિવાળી માં થયો.
વાત ખાસ મોટી નથી કે એટલી અનોખી પણ નથી. બીજા ને પણ આવા અનુભવો થયા હશે કે આવું બનતું રહેતું હશે.
ગયા જુલાઈ મહિના માં અમે લોકો ભાડાનાં બીજા ઘરમાં રહેવા આવ્યા. ટાઉન એ જ છે પણ દેવ ની સ્કુલની થોડી વધુ નજીક ઘર લીધું.
ભારતની જેમ અહીં દિવાળી ધામધૂમથી કે જાહેર માં ફટાકડા ફોડી ને ઉજવવામાં આવતી નથી.
એટલે દિવાળીની સાંજે શેરીમાં રોજ ની જેમ એકદમ(પેલું કહેવાય ને કે… નિરવ) શાંતિ હતી. મારી પત્ની ૪-૫ દિવસ થી રોજ બહાર દીવા કરતી અને બારી પર નાની લાઈટ વાળી એક સિરીઝ પણ લગાડી હતી.
દિવાળી ની સાંજના સાતેક વાગ્યા હશે અને હું હજી ઓફીસથી ઘરે આવ્યો ન હતો.
અચાનક કોઈકે ડોરબેલ વગાડી.
મારી પત્નીએ બારણું ખોલીને જોયું પણ કોઈ દેખાયું નહિ. આમ તેમ જોયું પણ કોઈ હતું જ નહિ.
બારણાની બહાર એક બેગ પડેલી જોઈ. એને ડર લાગ્યો કે આ કોણ આવી બેગ આ રીતે મુકી ને જતું રહ્યું.
ન્યુ યોર્ક ની સબ-વે ટ્રેનમાં વારંવાર જાહેરાત થયા કરતી હોય છે કે તમને કોઈ પણ જગ્યા પર બિનમાલિકી ની શંકાજનક વસ્તુ કે બેગ કે એવું કંઈ પણ દેખાય તો ચુપ ના રહેવું પણ તુરંત પોલીસ ને જાણ કરો.
મારી પત્ની થોડી ગભરાઈ ગઈ અને તરત બારણું બંધ કરી દીધું. ટ્રેન વાળી જાહેરાત ને માન આપીને તેણે ચુપ ન રહેતા તરત પોલીસ ને તો નહિ પણ મને ફોન કર્યો.
પણ એ દરમિયાનમાં હું ઘરે પહોંચી ગયેલો અને ડોરબેલ વગાડી.
હજુ થોડીક વાર પહેલા જ તે બહાર તપાસ કરી ને અંદર ગયેલી અને તરત ફરી ડોરબેલ વાગી એટલે એ ગભરાઈ.
ફોનમાં મેં કહ્યું કે હું છું, બારણું ખોલવાની કૃપા થાય તો અંદર આવું.
મારી નજર નીચે પેલી બેગ પર ગઈ. મારી પત્ની એ બારણું ખોલ્યું અને કહ્યું કે હમણાં કોઈકે ડોરબેલ વગાડી પણ બહાર કોઈ ના હતું અને કોઈ આ બેગ મુકી ને જતું રહ્યું.
મને કુતુહલ થયું કે આ વળી શું નવું ગતકડું છે.
પણ ટ્રેન વાળી જાહેરાત ને માન આપી ને હું પણ થોડો સાવચેત થયો અને પેલી બેગ માં શું છે એ જોવા લાગ્યો.
ઉપર એક કાર્ડ દેખાયું. કાઢી ને વાંચ્યું. વાંચ્યા પછી આખી પોલ ખુલી અને અમે લોકો ઘણું હસ્યા.
ના, એ કોઈ પ્રતિકુળ ઋતુવાળું એપ્રિલ ફૂલ ન હતું.
એ એક ગિફ્ટ બેગ હતી અને તેમાં ડ્રાય-ફ્રુટ્સ અને એક પાઈનેપલ હતું.
એ કાર્ડ માં લખ્યું હતું કે:
વહાલા નવા પડોશી, શેરી માં તમારું સ્વાગત છે. હેપ્પી દિવાળી(ફેસ્ટીવલ ઓફ લાઈટ્સ). હવે અમને ખબર પડી કે બારી પર તમે લાઈટ કેમ લગાડી છે. તમારી સામે ના ઘર વાળા.. બોબ અને રોઝમેરી.
આ બોબભાઈ અને રોઝમેરીબેન તો ગઝબ નીકળ્યા. એલા કંઈક શુભેચ્છા પાઠવવા આવ્યા છો તો ડોરબેલ વગાડ્યા પછી બારણું ખુલે ત્યાં સુધી ઉભા તો રહો.
આમને આમ છોકરાવ નો જીવ લેશો શું?(બચ્ચે કી જાણ લોગે ક્યાં…વાળું)
મેં વળી બહાર નીકળી ને જોયું કે સામે કોઈ દેખાય તો એક વાર આભાર તો વ્યક્ત કરું. પણ બસ એજ નિરવ શાંતિ અને અંધારિયું વાતાવરણ. કોઈ દેખાય તો આભાર વ્યક્ત કરીએ ને.
એ દિવસ થી લઇ ને આજ સુધી જયારે પણ ઘર ની બહાર નીકળું ત્યારે સામે જોઉં કે પેલા બોબભાઈ કે ગુલાબીબેન દેખાય તો થેંક યુ તો કહીએ. પણ કોઈ દેખાય તો ધોળિયા શેના.
મને ખુશી એ વાત ની થઇ કે આ લોકો ને ધીમે ધીમે હવે ખબર તો પડે છે કે દિવાળી એ એક પ્રકાશ/તેજ નો અને આપણા માટે કેટલો મોટો તહેવાર છે.

અપડેટ: આખરે બોબભાઈ અને રોઝમેરીબેન નો પત્તો લગાવી ને ક્રિસમસ પર એક ભેટ આપી દીધી છે.

ચાલો ઈ-મેઈલ ઈ-મેઈલ રમીએ…

Posted in રમત-ગમ્મત, શું વાત કરો છો, હાસ્ય by અશ્વિન on એપ્રિલ 28, 2010

આજે ફરી એક વાર ઓફીસ માં ધૂમ મચી છે. લોકોમાં હરીફાઈ લાગેલી છે કે કોણ આ સ્પામ જેવી એક ઈ-મેઈલ ચેઈન ને વધુ લાંબી કરે.

વાત એમ બની છે કે થોડા દિવસ પહેલા કોઈ એક ગ્રુપ ના વ્યક્તિ એ કંઈક ઈ-મેઈલ કરેલો અને “CC” ના ખાના માં જનરલ ઈ-મેઈલ ગ્રુપ આઈડી માનું એકાદ મુકેલું.
હવે આ ઈ-મેઈલ લાગતા-વળગતા લોકો અને એના સિવાય બીજા ઘણા હજારો લોકો ને પહોંચી ગયો.

વિધિ ની વક્રતા તો જુઓ કે તે દિવસે શુક્રવાર હતો અને પબ્લિક બધી મૂડમાં હતી.
થોડી વાર તો ઈ-મેઈલ નો ભાવ કોઈ એ પૂછ્યો નહિ પણ પછી એક જણા એ રીપ્લાય ટુ ઓલ કરી ને કહ્યું કે મને આ ઈ-મેઈલ સાથે કોઈ લેવા-દેવા નથી આથી મારા જેવા નિર્દોષ માનવી ને આ ઈ-મેઈલ મેળવનાર ની યાદીમાંથી મહેરબાની કરી ને કાઢો.

બસ પછી શું. પછી તો જાણે આગ લાગી.

બીજા એક વ્યક્તિ એ વળી પાછું રીપ્લાય ટુ ઓલ કરી ને કહ્યું કે મને પણ કાઢો, ત્રીજા એ, ચોથા એ એમ લોકો માંડ્યા ઈ-મેઈલ મોકલવા.
વળી એક જણા એ જાણે બહુ મોટો ઈ-મેઈલ નો જાણકાર હોય એમ કહ્યું કે મહેરબાની કરી ને રીપ્લાય ટુ ઓલ ના કરો પણ બીજા બધા ને “BCC” માં નાખો. આ મહાશયે પોતે બધા ને “CC” માં નાખેલા જો કે.

ઘણા લોકો એ બૂમ પાડી કે,

  આ અન્યાય છે, ને અપમાન છે, ને કોઈ છે અહી જે આ ચેઈન ને બંધ કરાવે, કોઈ ઈ-મેઈલ સર્વર ના એડમીન ને જાણ કરો, શુક્રવાર ની બપોર એકદમ કંટાળાજનક હતી પણ હવે નથી, ને બહુ મજા આવે છે ને એવું બધું જાત જાત નું.


બધા એ પોત પોતાની યથા શક્તિ વડે ફાળો આપી ને એ ઈ-મેઈલ ચેઈન ને પૂરે પૂરો ન્યાય આપ્યો. ( મેં પણ ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી ના ધોરણે ફાળો આપેલો)
જોત જોતા માં ૧૫૦૦-૨૦૦૦ ઈ-મેઈલ થી બધા ના મેઈલબોક્ષ ભરાઈ ગયા અને શુક્રવાર ની બપોર બધા માટે આનંદદાયક બની રહી.
તા.ક. એ બધા ઈ-મેઈલ મેં કાઢી નાખેલા એટલે વધુ યાદ નથી કે એમાં લોકો એ કેવું કેવું હાસ્યાસ્પદ લખેલું.

પણ આજે ફરીથી ઈતિહાસ નું પુનરાવર્તન થયું છે – થોડા નાના પાયા પર જો કે.

શું બન્યું આજે?
થયું એવું કે એક અઠવાડિયા પહેલા અમારી ઓફીસ ના કેમ્પસમાં ના બધા ફોન બદલવામાં આવ્યા હતા.
પણ તે પછી બધા ના હેડસેટ કામ કરતા બંધ થઇ ગયા અને બધા એ આ બાબત ની ફરિયાદ કરેલી.

આનું નિરાકરણ આવતા, એડમીન વિભાગ માંથી એક વ્યક્તિ એ બધા ને ઈ-મેઈલ કરી ને જાણ કરી કે તમારા હાલ ના હેડસેટ ની માહિતી આપો એટલે આપણે એની માટે એડેપ્ટર લગાવીએ.
આ વ્યક્તિ એ પણ પહેલા વાળા કેસ ની જેમ બધા નું જે જનરલ ઈ-મેઈલ ગ્રુપ આઈડી છે તેને “CC” માં નાખવાની ગુસ્તાખી કરી.

ફરી થી કાળ નું ચક્ર ચાલુ થયું અને એક જણે રીપ્લાય ટુ ઓલ કરી ને પોતાના હેડસેટ ની માહિતી આપી.

ચાલો જોઈએ આ પછી બીજા ઈ-મેઈલ માં લોકો એ શું શું લખ્યું:

 • રીપ્લાય ટુ ઓલ કરી ને જ બીજા એક ભાઈ સામાન્ય જ્ઞાન વહેચતા કહે છે કે તમારો ઈ-મેઈલ તમારી અને તમારે જેની સાથે વાત કરવી હોય તેના પુરતો જ સીમિત રાખો. ( ભાઈ તું રાખ ને પહેલા, ગામ ને શિખામણ આપતો)
 • એક બહેન લંડન થી કહે છે કે અમારા બધા હેડસેટ અહી લંડન માં મસ્ત ચાલે છે. તમને જો જોવો ગમે તો ૫ MB નો .bmp ફોટો મોકલું?
 • એક ભાઈ એ એના જવાબ માં પૂછ્યું છે કે હા તમારી મહેરબાની થશે જો મોકલશો તો. અને લંડન માં હાલ હવામાન કેવુંક છે? (તું અહિયાં ની કર ને ટોપા, લંડન જાણે રોજ સવારે જઈને સાંજે પાછું આવવાનું હોય એમ ચિંતા કરતો ખોટો)
 • બીજા એક ભાઈ આશા વ્યક્ત કરે છે કે હવે લંડન માં રાખ ના વાદળો વિખેરાઈ ગયા હશે.
 • આ ભાઈ કહે છે કે મિનેસોટા માં પણ અમારા બધા હેડસેટ, થોડા ઠંડા હોવા છતાં બહુ સરસ ચાલે છે. પણ અમારું ૩ કાણા વાળું પંચ ખોવાઈ ગયું છે. કોઈ એ જોયું છે? ( હા ડોફા, છેલ્લી વાર જયારે કોઈક ન્યુ-યોર્ક થી ત્યાં આવ્યું હશે ત્યારે લેતું આવ્યું હશે).
 • આ સાહેબ કહે છે કે, રાખ ના વાદળો માં હેડસેટ વાપરવું ખતરનાક છે. ચાલો આપણે બધા એક કવિતા ચાલુ કરીએ આ નાચીઝ હેડસેટ ના માન માં.
 • અને આ ભાઈ ની સમસ્યા કંઈક જુદી છે. એ કહે છે કે મેં મારું હેડસેટ કોમ્પ્યુટર ની આગળ આવેલા કાણા માં નાખ્યું તો કંઈક વિચિત્ર અવાજ આવ્યો અને હવે મારું આખું ક્યુબીકલ પ્લાસ્ટિક બળતું હોય એવી વાસ મારે છે. મહેરબાની કરી ને કોઈક મદદ કરો.
 • એટલે એના જવાબ માં એક ભાઈ કહે છે કે પ્રોબ્લેમ ટીકીટ ઓપન કરો.
 • આ બધા માં વચ્ચે વચ્ચે ઘણા લોકો એ પોતાના “રીપ્લાય ટુ ઓલ ના કરો” એવા સામાન્ય જ્ઞાન ની વહેચણી ચાલુ જ રાખી હતી અલબત્ત બધા ને “CC” માં નાખી ને.

લાગે છે કે આ વખતે ઈ-મેઈલ એડમીન એ આગોતરા પગલા લઇ ને આ ચેઈન ને વધુ લાંબી નથી થવા દીધી કારણ કે હાલ પૂરતા તો કોઈ ના મેઈલ આવતા બંધ થયા છે.(આ વખતે મેં મારા તરફ થી ફાળો આપવાની ઘસી ને ના પાડી દીધી છે.)

સરકાર…

Posted in રાજકીય, શું વાત કરો છો, સરકાર by અશ્વિન on નવેમ્બર 6, 2009

ઘણો લાં………….બો સમય વીતી ગયો છે છેલ્લી પોસ્ટ લખ્યા ને.
લખવું તો ઘણું છે પણ સમય હંમેશ ની જેમ સાથ નથી આપતો.

હા તો, આપણે અહી અમિતાભ ના પ્રસિદ્ધ ચિત્રપટ(એટલે કે મુવી, ફિલ્મ) સરકાર વિષે વાત બિલકુલ નથી કરવી.
આ સરકાર શ્રેણી માં અમુક એવી વાતો કરવી છે કે જેમાં સરકાર ને લોકો દ્વારા ચૂનો ચોપડવામાં આવ્યો હોય.

સરકાર લોકો માટે, લોકો નું ભલું થાય એ માટે, લોકો ને મદદ થાય એ માટે, નવી નવી યોજના જાહેર કરે પણ લોકો ઘણી વાર એનો ગેરફાયદો ઉઠાવે એ આમ તો નવી વાત નથી.

પણ અમેરિકા જેવા દેશ માં, બધી માહિતી આટલી બધી સુ-વ્યવસ્થિત(સિસ્ટમેટિક્) હોવા છતાં લોકો સરકાર ને એની જાહેર કરલી યોજના માં ઉઠા ભણાવ્યા જ કરે છે.

આવી જ એક યોજના ઓબામા એ ફેબ્રુઆરી માં જાહેર કરેલી જેનું સુશોભિત નામ છે – “ફર્સ્ટ ટાઈમ હોમ બાયર ટેક્ષ ક્રેડીટ“.

અમેરિકા ની ઐતિહાસિક આર્થિક મંદી ને ધ્યાન માં રાખી, ઓબામા એ ઘર લેવા-વેચવા ના માર્કેટ માં તેજી લાવવા ના ઈરાદા થી ફેબ્રુઆરી માં જાહેર કરેલી યોજના મુજબ:

  જે વ્યક્તિ પાસે છેલ્લા ૩ વર્ષ માં પોતાની માલિકી નું ઘર ના હોય અને વ્યક્તિગત વાર્ષિક આવક $૭૫,૦૦૦ થી ઓછી અથવા પરિણીત યુગલ ની વાર્ષિક આવક $૧,૫૦,૦૦૦ થી ઓછી હોય તો જો તે ૧ જાન્યુઆરી ૨૦૦૯ અને ૧ ડીસેમ્બર ૨૦૦૯ ની વચ્ચે ના સમયગાળામાં ઘર ખરીદે તો તેને સરકાર ટેક્ષ ક્રેડીટ તરીકે $૮૦૦૦ આપે.

હવે જયારે આટલા મહિના પછી સાચા આંકડા આવ્યા ત્યારે સરકાર ની ઊંઘ હરામ થઇ જાય એવી પરિસ્થિતિ ઉભી થઇ.
આ રહ્યા એમના થોડાક આંકડા.
આના પરથી ખ્યાલ આવશે કે શેર ની માથે સવાશેર ની જેમ સરકાર પર હાહાકાર મચાવવા પ્રજા હંમેશા શસ્ત્ર-સરંજામ સાથે તૈયાર જ હોય છે.

 • ૯૦,૦૦૦ અરજીઓ, કે જે કુલ $૬૦૦ મિલિયન કરતા વધુ ની કિંમતની થાય, એકદમ શંકાસ્પદ અરજીઓ છે.
 • નિયમ પ્રમાણે વ્યક્તિ એ પહેલા ઘર ખરીદેલું હોવું જોઈએ અને પછી $૮૦૦૦ માટે અરજી કરવાની. પણ ૧૪૦ મિલિયન ડોલરની ૧૯,૩૦૦ એવી અરજી ઓ આવી કે જે ઘર ખરીદ્યા પહેલા કરવામાં આવી હોય.
 • નિયમ પ્રમાણે વ્યક્તિ એ છેલ્લા ૩ વર્ષમાં કોઈ ઘર ની માલિકી ધરાવી હોવી ના જોઈએ. પણ ૫૦૦ મિલિયન ડોલર ની ૭૪,૦૦૦ અરજીઓ એવી આવી કે જેમાં વ્યક્તિ છેલ્લા ૩ વર્ષમાં કોઈક ઘરનો માલિક હોવાની માહિતી સાંપડતી હતી.
 • ૪.૫૦ મિલિયન ડોલર ની ૫૮૦ જેટલી અરજીઓ એવી હતી કે જેમાં અરજી કરનાર વ્યક્તિ ની ઉંમર ૧૮ વર્ષ થી ઓછી હતી. આમાં ઓછા ઓછી ઉંમર વાળી વ્યક્તિ ની ઉંમર ફક્ત ૪ વર્ષની હતી.

છે ને બાકી ચોંકાવનારી વિગતો(આપણા માટે નહિ, તો સરકાર માટે….)

સોર્સ: યાહૂ ન્યુઝ

વાહ! મારા બેટા ની સિક્સર…

Posted in અંગત, હાસ્ય by અશ્વિન on મે 25, 2009

ત્રણ દિવસ ના લોંગ વિકએન્ડમાં મારા મિત્ર પરેશ ને ત્યાં કનેક્ટીકટ ગયા હતા.
આ ઉનાળાનું પહેલું, સારા હવામાનવાળું, લોંગ વિકએન્ડ હોવાથી રસ્તા પર વાહનો નો ચક્કાજામ સર્જાયો હતો. ૧૩૪ માઈલનું અંતર કાપવા માટે ખાસ્સા ૪-૪.૫ કલાક નો સમય લાગ્યો.
એટલે રસ્તામાં એક સર્વિસ એરિયામાં થોડા હળવાફૂલ થવા થોડીક વાર રોકાયા.
ત્યાં એક આઈસ્ક્રીમની દુકાન પર લાગેલા આઈસ્ક્રીમના રળિયામણા દ્રશ્યો(ફોટા) જોઇને મારો ત્રણ વર્ષનો પુત્ર દેવ બોલ્યો – “મમ્મી, અહિયાં આઈસ્ક્રીમ ના હોય પણ ખાલી એના ફોટા જ હોય ને?”
હું અને મારી પત્ની, એની વાત સાંભળીને ઘણું હસ્યા અને એ પણ યાદ આવ્યું કે આવું ક્યારેક અમે એને, એ જયારે વધુ નાનો હતો અને તેને શરદી હતી ત્યારે, એકાદ વાર કહેલું. મારા બેટા ને બધું બરાબર યાદ છે હો માળું અને બધું હવે અમારી પર ઠોકે છે લાગ જોઈ જોઈ ને.
દેવ

મારો પુત્ર દેવ

આઇપીઍલ ખેલાડીઓ નાં નીકનામો

Posted in રમત-ગમ્મત, શું વાત કરો છો, હાસ્ય by અશ્વિન on મે 15, 2009

ફેકઆઇપીઍલપ્લેયર બ્લોગ નું નામ ઘણું જ પ્રખ્યાત થઈ ગયું હોવાથી ઍના વિષે વધુ કંઇ લખવાની જરૂર નથી જણાતી.
પણ ઍ બ્લોગ ની પોસ્ટ્સ માં, આઇપીઍલ નાં ખેલાડીઓ માટે જે નીકનામો વપરાય છે ઍ ઘણા રમૂજી છે.
ઈન્ટરનેટ પરથી આ નામો સંકલિત કરીને નીચે પ્રમાણે ની યાદી બનાવી.

વિની ડિલ્ડો/ બાદશાહ ડિલ્ડો – શાહરૂખ ખાન
કિશન કન્હૈય્યા – રવિ શાસ્ત્રી
લોર્ડ ઑલ્માઇટી/લોર્ડી – સૌરવ ગાંગુલી
શેઇખ ઓફ ટ્વીક – શેન વૉર્ન
બેવડા – જેસ્સી રાઇડર
બિગ સિસ્ટર – શિલ્પા શેટ્ટી
કલિપ્સો કિંગ(Calypso King) – ક્રિસ ગેઈલ
મિસ્ટર બાટલીવાળા – વિજય માલ્યા
પ્રિન્સ ચાર્લ્સ ઓફ પટિયાલા – યુવરાજ સિંગ
લિટ્લ મૉન્સ્ટર – સચિન તેંડુલકર
પેડ્ફિલ પ્રિઍસ્ટ(Pedophile Priest) – ઍડમ ગિલ્ક્રિસ્ટ
લિટ્લ જૉન – ઈશાન્ત શર્મા
કાન મૂલો – અજીત અગરકર
અપ્પમ ચૂ* – શ્રીસંત
ફોરેન બાબાસ – મેક્કુલમ અને બુચાનન
RDB – રાનદેબ બોઝ
મીરાં ભાઈ – હરભજન સિંગ
સેંડી બેડ્ડી બેબ – મંદિરા બેદી
ભૂખા નાન – બુચાનન
બંટી ઔર બબલી – નેસ વાડિયા અને પ્રિટી ઝીંટા
હવાઈ ચપ્પલ – ગ્રેગ ચૅપલ
સ્ટાઇલ ભાઈ – મુરલી કાર્તિક
ગીલ્લી દંડા – અશોક ડિંડા
ગંજી હેન્ગર – સંજય બાંગર
લેડી જયા – મહેલા જયવર્દના
કૂલ ડ્યૂડ(Cool Dude) – ધોની
વર્ષા ગૉગલ – હર્ષા ભોગલે
જનતા ટૉરમેંટર(લોકો ને દુખી કરનાર) – અજન્તા મેન્ડિસ
જૉન રૉંગ – જૉન રાઇટ
બાંગ્લા ટાઇગર – મશરફ મોર્તઝા
વેરી વેરી સ્પેશલ ફ્રેન્ડ રામ – વીવીઍસ લક્ષ્મણ
બોય જ્યોર્જ – બ્રૅડ હૉગ
ચિંટૂ સિંગ – અનુપ્રીત સિંગ
શેક્સ્પિયર – આકાશ ચૉપ્રા
શીઘ્ર-પતન – યૂસુફ પઠાણ
દીર્ઘ પતન – ઈરફાન પઠાણ
મંગલ પાંડે – ઍલ આર શુક્લા
બિગ મૅક – મેથ્યુ હેડન
ઘાટી બાબા – રોહિત શર્મા
સ્ટિકી સમથીન્ગ(Sticky Something) – રિકી પોન્ટીંગ
દીવાર – રાહુલ દ્રવિડ
છોટા ચેતન – ચેતેશ્વર પુજારા
પેન્ટી કરી(Panty Curry) – રોબિન ઉથપ્પા
ચિકના પૂ* – ડેવિડ હસી
ચિરકુટ ટેલી – વિરાટ કોહલી
બબ્બન – અરિન્દમ ઘોષ
દરવાન ઓફ પટિયાલા – ટૉમ મૂડી
વકીલ સાબ – કુમાર સંગાકકરા
સાલા સ્લીમબોલ(Slimeball) – લલિત મોદી
કમીઝ પજામા – રમીઝ રાજા
આર્નોલ્ડ પાવર – રમેશ પોવાર
રી-પીટર – પીટરસન
ઢક્કન્સ – ડેક્કન ચાર્જર્સ
સ્પેરો / પૅરૉટ – મેકગ્રાથ
  આ સિવાય બીજા કોઈ નામો મળે તો અહીં જણાવવા વિનંતી.

ઍક હતું હાડકું…

Posted in શું વાત કરો છો, હાસ્ય by અશ્વિન on મે 13, 2009

ગુજરાતી ભાષામાં વ્યાકરણ ઘણું મહત્વનું છે અને અલ્પવિરામ, પૂર્ણવિરામ વગેરે પણ બહુ જરૂરી છે તે આપણે બધા જાણીઍ છીઍ.

ગુજરાત મિત્ર પેપર માં ૧૩ મે, ૨૦૦૯ ના દિવસે ઍક સમાચાર હતાં કે વિશ્વની સૌથી વૃધ્ધ મહિલા નું મોત.
આ સમાચાર માં નીચે, નાના મથાળામાં ઍવી માહિતી આપી છે કે આ મહિલા બાથરૂમમાં પડી જવાથી તેનાં થાપાનું હાડકું ભાંગ્યુ હતું.
પણ વ્યાકરણ ના અપુરતા ઉપયોગ થી પહેલી નજરે ઍવુ લાગે છે કે ઍમનુ હાડકુ પડી ગયું અને ભાંગી ગયુ.
આમ ને આમ જ જો આપણા શરીરનાં અંગો માંથી હાડકા પડી જવાનું ચાલુ રહેશે તો ઘણી મુશ્કેલી સર્જાશે.
આપણાં દેશનાં બાથરૂમો, લોકોનાં હાડકાઓથી ઉભરાઇ જવાનો ભય રહેલો છે દોસ્તો.
આ તકલીફના નિવારણ માટે નીચેનાં ઉપાયોમાંથી કોઈ પણ ઍક ઉપાય અમલમાં મુકવાનું વિચારી શકાય –

  ૧. હાડકા નંખાવવાનુ બંધ કરો.
  ૨. બાથરૂમ બનાવવાનું બંધ કરો.
  ૩. બાથરૂમમાં જવાનું બંધ કરો.
  ૪. બાથરૂમમાં સ્ટાઈલ(ટાઈલ્સ) ની બદલે કારપેટ નંખાવવાનું રાખો જેથી હાડકું ભાંગે નહીં.
  ૫. બાથરૂમમાં જતાં પહેલા, હાડકાનું બરાબર પડીકું વાળીને કબાટમાં મુકી દો અને કામ પત્યા પછી પહેરી લો.

કેવો અર્થ નો અનર્થ!!

  oldest woman

શીર્ષક ની લટાર – ૨

Posted in શીર્ષક ની લટાર, હાસ્ય by અશ્વિન on મે 7, 2009

સમાચારપત્રો માં આવતાં શીર્ષકોની ફરી ઍક વાર લટાર લઈઍ મિત્રો.

 • સોનિયા ની ચેન્નઈ-પોંડિચેરી માં યોજાનારી ચૂંટણી સભા મોકૂફ
  • સારુ કર્યુ માડી બાકી આ પ્રદેશો માં જે થોડા ઘણા લોકો ભાંગલુ-તુટલુ હિન્દી બોલ છે ઍ ય ગોથા ખાઈ જાત કે યાર આ ને હિન્દી બહુ મસ્ત આવડે છે ને આપણે ઢગ્ગા થયા તોયે નો આવડ્યુ હજી.
 • ભાજપ ને કદી ટેકો નહીં: ઑમર
  • ઑ…….મર ટેકા વગર બીજુ શુ. આને ઍના બાપુજી છેક સુધી ટેકો આપશે ઍની ગેરંટી ખરી? શું હાલી નીકળતા હશે ધોયેલા મુળા જેવા.
 • લાલુ નો મિડીયાકર્મીઓ સાથે અશિસ્ત વ્યવહાર
  • ઍલા રાબડી માડી મારશે શું મન્ડાણો છો આમ ખુલ્લે આમ ચૉક માં ગરબે રમવા. મન માં ઉભરાતા ધખારા શાંત રાખો લાલિયા.
 • મનીષા કોઈરાલા બંધ રૂમ માં “હીટ-યોગા” કરે છે!
  • તરત હીટ થઈ જાય ઍવી વાત!! રૂમ કેમ બંધ રાખે છે પણ ઍલી. લૉક-દર્શન માટે ખુલ્લો મુકો રૂમ જેથી લોકો હીટ થયેલા તમારા યોગ નું આહલાદક દ્રશ્ય જોઈ શકે. ઑછા માં ઑછુ લોકો પોતાની આંખો વડે યોગ કરી શકે ઍટલુ તો કરી આપો. બહાર ધોમ-ધખતા તડકા માં યોગ કરો તો ઍને પણ હીટ-યોગ ના કહેવાય?
 • મલ્લિકા શેરાવત ના નામ ઉપર મિલ્ક-શેક તૈયાર થયું!
  • બસ ઍક નિર્દોષ મિલ્ક-શેક જ બાકી હતું. આમાં યે હવે આવડી આનુ નામ!!. આમ તો મિલ્ક-શેક ઍકદમ ઘટ્ટ હોય પણ આના નામ વાળુ મિલ્ક-શેક ઍકદમ ક્લિયર અને પારદર્શક હશે કદાચ. મિલ્ક-શેક ના નામ પર ધબ્બો છે આ દોસ્તો.
 • કેટરીના હવે અંગપ્રદર્શન નહી કરે
  • નો કોમેન્ટ્સ. શીર્ષક પોતે જ પોતાની લટાર છે અહીંયા.
 • કોલકાતા ના કંગાળ પ્રદર્શન ના પગલે હવે કોચ બ્યુકેનનની હકાલપટ્ટી નિશ્ચિત
  • બસ ધરાઈ ગ્યા ઍનાથી? તો પહેલા ક્યાં ગ્યા તા? ના ના, કહુ છુ રાખો હજી ઍને અને મેચુ નો હોય તોય ઍની ટીપ્સૂ લીધા રાખો. હકાલપટ્ટી થયા પછી રખડપટ્ટી વધી જશે કાકા ની(નોકરી માટે).

  પાયખાનાં ની પાળીઍથી

  Posted in શું વાત કરો છો, હાસ્ય by અશ્વિન on મે 4, 2009

  ક્ષોભ ના પામશો મિત્રો. આપણે અહીં પાયખાનામાં ઍટલે કે જાજરૂ માં કેમ બેસવુ ઍની ચર્ચા બિલકુલ નથી કરવી.

  પણ હમણાં તાઈવાન ના કાઉશ્યુન્ગમાં ઍક નવી રેસ્ટોરન્ટ ખૂલી છે અને ઍની થીમ છે – જાજરૂ.
  આપણામાંથી ઘણા ને તો જમતી વખતે જાજરૂ નુ નામ પડે તો ખાવાનુ યે ના ભાવે અને આ તો જાજરૂ માં બેસી ને ખાવા જેવી વાત થઈ.
  વળી પાછુ, જાજરૂ ની થીમ પર બનેલી આ રેસ્ટોરન્ટ નવીનતા ના આગ્રહીઓ ને ઘણી પસંદ પડી છે.

  આ રેસ્ટોરન્ટ માં જાજરૂ ના ખામણા(ઍટલે અસલ ખામણા નહી ભાઈ, ફક્ત ઍવો આકાર) બેઠક તરીકે ઉપયોગ માં લેવાય છે.
  બાથટબ ઍમા થાળી-વાટકા તરીકે વપરાય છે. અને નીચે ના ઍક ફોટા માં તેમણે દર્શાવ્યા મુજબ અમુક પ્રકાર ની વાનગી નો આકાર મળ જેવો યે રાખે છે આ નવીનતા ના ચાહક માનવીઓ.

  હશે ભા….ઈ હશે. પસંદ અપની અપની બીજુ શું.
  તો આવો આપણે આ જાજરૂ વાળી રેસ્ટોરન્ટ માં જઈને નો જમીયે તો કાંય નઈ પણ ફોટા જોઈને આંખ્યુથી તેનું રસપાન કરીયે(માહિતીનું રસપાન કરવાની વાત થાય છે).

  Toilet restaurant 1

  Toilet restaurant 2

  Toilet restaurant 3

  Toilet restaurant 4

  Toilet restaurant 5

  સ્ત્રોત: ચાઇના.ઑર્ગ