દેશી ધમાચકડી

કિષ્ના, પ્લીઝ સ્પોઈલ ધ મૂવી

Posted in ગમ્મત, હાસ્ય by અશ્વિન on ઓગસ્ટ 11, 2011

હું અને મારો મિત્ર, કુટુંબ-કબીલા સાથે, ફિલ્મ “ઝિંદગી ના મિલેગી દોબારા” જોવા ૨-૩ અઠવાડિયા પહેલા ગયા હતા.
ફિલ્મ બહુ જ કંટાળાજનક છે. લોકો ને શું હવે કોઈ નવી થીમ નહી મળતી હોય કે એ જ ચીલાચાલુ વસ્તુ પીરસ્યા કરે છે?
આખા મુવીનો કોઈ એવો ટ્રેક જ નથી કે આપણ ને એમ થાય કે અંત સુધી આ જોઈએ.
ફિલ્મ પૂરી થઇ જાય ત્યારે આપણ ને લાગે કે અત્યાર સુધી આપણ ને શું કામ બેસાડ્યા હતા અને આ ક્યારેય બરાબર ચાલુ જ થઇ ના હતી ત્યાં તો પૂરી પણ થઇ ગઈ.
૩ જણા ૩ રમતો રમે કે જેને “એડવેન્ચર સ્પોર્ટસ” કહે છે.
એક જણ ને થોડા સમય પછી અવઢવ થાય કે પોતાનું વેવિશાળ તો થયું પણ લગ્ન કરી શકે એ માટે એ ઢાંઢો હજી તૈયાર નથી.
બીજો એક જણ પોતાના અસલી પિતા ને શોધ્યા કરે છે અને મળ્યા પછી ખબર પડે છે કે એ લસણ નોતો મળ્યો એ જ બરાબર હતું.
ત્રીજો માણસ પોતાના ધંધા/બિઝનેસ પાછળ ગાંડો છે અને ઘણા બધા પૈસા કમાઈને ૪૦ વર્ષ પછી તેને નિવૃત્ત થવું છે.
બધી કંટાળાવાળી ડાયલોગબાજી માં વચ્ચે વચ્ચે હથોડાછાપ શાયરીઓ/કવિતાઓ આવ્યા કરે પાછી.
આ બધું ચાલી રહ્યું હતું ને અમે “હવે આવ્યા જ છીએ તો પૂરું કરીએ” ના ધોરણે બેઠા હતા.
તે દરમિયાનમાં એક મસ્ત મજા નો પ્રસંગ બની ગયો અને થિયેટર માં બેઠેલા બધા પ્રેક્ષકો ખડખડાટ હસી પડ્યા(અત્રે નોંધનીય છે કે આ થિયેટર ગુજરાતીઓ નું ગઢ ગણાય એવા વિસ્તાર માં આવેલું હોવાથી મોટા ભાગ ના પ્રેક્ષકો ગુજરાતી હતા).
જયારે ફિલ્મ શરૂ થાય ત્યારે આપણે બધાએ પેલી “પ્લીઝ, ડોન્ટ સ્પોઈલ ધ મૂવી બાય એડીંગ યોર ઓન સાઉન્ડટ્રેક” વાળી જાહેરાત તો જોઈ જ હશે.
ઘણા સ્ટેન્ડઅપ કોમેડીયનોને અમુક ડાયલોગબાજીમાં પોતાના ડાયલોગ ઘુસાડીને મિમિક્રી કરતા પણ આપણે જોયા/સાંભળ્યા જ છે.
પણ ખરેખર એવું ચાલુ મુવી માં અજાણતા બને ત્યારે તે કેટલો આનંદ આપે એનો અનુભવ આ વખતે થયો.
બન્યું એવું કે, એક વધુ પડતું ગંભીર(!!), એક પુત્ર(ફરહાન) અને તેના નાજાયઝ બાપ(!!)(નસીર) વચ્ચે ના બોરિંગ સંવાદ વાળું, દ્રશ્ય ચાલી રહ્યું હતું અને બધા ને બગાસા આવતા હતા.
તે જ વખતે મારા મિત્ર ના બંને પુત્રો, આર્યન અને કિષ્ના, પાણી ની બોટલ માટે કંઈક ઝગડતા હતા. એ લોકો નું ઝગડવાનું જો કે શાંતિ પ્રિય રીતે, બીજા લોકો ને ના સંભળાય એમ, ચાલતું હતું.
પણ અચાનક કિષ્નાનો બાટલો ફાટ્યો હશે કે તેનો અવાજ એક શબ્દ માટે જરા મોટો થઇ ગયો અને ફિલ્મ માં ચાલતા સંવાદ સાથે સરસ રીતે મિશ્ર થઇ ગયો કે જેને લીધે હાસ્ય ની એક લહેરખી પ્રસરી ગઈ.
આ રહ્યો એ ગંભીર સંવાદ:

नसीर:   तुम्हारे बारें में कई दफा सोचा मैंने…की…कभी न कभी, कही न कही शायद तुमसे मुलाकात होगी. पर ये नहीं समज पाया कभी भी की तुमसे मिलूँगा तो कहूँगा क्या.

फरहान:    सच कहिये.

नसीर:    सच होता क्या है. सब का अपना अपना वर्ज़न होता है सच का.
लुक, में पच्चीस साल का था. राहिला शायद मुझसे १-२ साल छोटी थी. उस उम्र से किसको ख्याल आता है कल का. We were just kids.
एक दिन राहिला ने मुझे बताया की She is expecting a baby. में उस जिम्मेदारी के लिए तैयार नहीं था. अब भी नहीं हूँ.

કિષ્ના:    ખોટું બોલે છે.

Advertisements

ચાલો ઈ-મેઈલ ઈ-મેઈલ રમીએ…

Posted in રમત-ગમ્મત, શું વાત કરો છો, હાસ્ય by અશ્વિન on એપ્રિલ 28, 2010

આજે ફરી એક વાર ઓફીસ માં ધૂમ મચી છે. લોકોમાં હરીફાઈ લાગેલી છે કે કોણ આ સ્પામ જેવી એક ઈ-મેઈલ ચેઈન ને વધુ લાંબી કરે.

વાત એમ બની છે કે થોડા દિવસ પહેલા કોઈ એક ગ્રુપ ના વ્યક્તિ એ કંઈક ઈ-મેઈલ કરેલો અને “CC” ના ખાના માં જનરલ ઈ-મેઈલ ગ્રુપ આઈડી માનું એકાદ મુકેલું.
હવે આ ઈ-મેઈલ લાગતા-વળગતા લોકો અને એના સિવાય બીજા ઘણા હજારો લોકો ને પહોંચી ગયો.

વિધિ ની વક્રતા તો જુઓ કે તે દિવસે શુક્રવાર હતો અને પબ્લિક બધી મૂડમાં હતી.
થોડી વાર તો ઈ-મેઈલ નો ભાવ કોઈ એ પૂછ્યો નહિ પણ પછી એક જણા એ રીપ્લાય ટુ ઓલ કરી ને કહ્યું કે મને આ ઈ-મેઈલ સાથે કોઈ લેવા-દેવા નથી આથી મારા જેવા નિર્દોષ માનવી ને આ ઈ-મેઈલ મેળવનાર ની યાદીમાંથી મહેરબાની કરી ને કાઢો.

બસ પછી શું. પછી તો જાણે આગ લાગી.

બીજા એક વ્યક્તિ એ વળી પાછું રીપ્લાય ટુ ઓલ કરી ને કહ્યું કે મને પણ કાઢો, ત્રીજા એ, ચોથા એ એમ લોકો માંડ્યા ઈ-મેઈલ મોકલવા.
વળી એક જણા એ જાણે બહુ મોટો ઈ-મેઈલ નો જાણકાર હોય એમ કહ્યું કે મહેરબાની કરી ને રીપ્લાય ટુ ઓલ ના કરો પણ બીજા બધા ને “BCC” માં નાખો. આ મહાશયે પોતે બધા ને “CC” માં નાખેલા જો કે.

ઘણા લોકો એ બૂમ પાડી કે,

  આ અન્યાય છે, ને અપમાન છે, ને કોઈ છે અહી જે આ ચેઈન ને બંધ કરાવે, કોઈ ઈ-મેઈલ સર્વર ના એડમીન ને જાણ કરો, શુક્રવાર ની બપોર એકદમ કંટાળાજનક હતી પણ હવે નથી, ને બહુ મજા આવે છે ને એવું બધું જાત જાત નું.


બધા એ પોત પોતાની યથા શક્તિ વડે ફાળો આપી ને એ ઈ-મેઈલ ચેઈન ને પૂરે પૂરો ન્યાય આપ્યો. ( મેં પણ ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી ના ધોરણે ફાળો આપેલો)
જોત જોતા માં ૧૫૦૦-૨૦૦૦ ઈ-મેઈલ થી બધા ના મેઈલબોક્ષ ભરાઈ ગયા અને શુક્રવાર ની બપોર બધા માટે આનંદદાયક બની રહી.
તા.ક. એ બધા ઈ-મેઈલ મેં કાઢી નાખેલા એટલે વધુ યાદ નથી કે એમાં લોકો એ કેવું કેવું હાસ્યાસ્પદ લખેલું.

પણ આજે ફરીથી ઈતિહાસ નું પુનરાવર્તન થયું છે – થોડા નાના પાયા પર જો કે.

શું બન્યું આજે?
થયું એવું કે એક અઠવાડિયા પહેલા અમારી ઓફીસ ના કેમ્પસમાં ના બધા ફોન બદલવામાં આવ્યા હતા.
પણ તે પછી બધા ના હેડસેટ કામ કરતા બંધ થઇ ગયા અને બધા એ આ બાબત ની ફરિયાદ કરેલી.

આનું નિરાકરણ આવતા, એડમીન વિભાગ માંથી એક વ્યક્તિ એ બધા ને ઈ-મેઈલ કરી ને જાણ કરી કે તમારા હાલ ના હેડસેટ ની માહિતી આપો એટલે આપણે એની માટે એડેપ્ટર લગાવીએ.
આ વ્યક્તિ એ પણ પહેલા વાળા કેસ ની જેમ બધા નું જે જનરલ ઈ-મેઈલ ગ્રુપ આઈડી છે તેને “CC” માં નાખવાની ગુસ્તાખી કરી.

ફરી થી કાળ નું ચક્ર ચાલુ થયું અને એક જણે રીપ્લાય ટુ ઓલ કરી ને પોતાના હેડસેટ ની માહિતી આપી.

ચાલો જોઈએ આ પછી બીજા ઈ-મેઈલ માં લોકો એ શું શું લખ્યું:

 • રીપ્લાય ટુ ઓલ કરી ને જ બીજા એક ભાઈ સામાન્ય જ્ઞાન વહેચતા કહે છે કે તમારો ઈ-મેઈલ તમારી અને તમારે જેની સાથે વાત કરવી હોય તેના પુરતો જ સીમિત રાખો. ( ભાઈ તું રાખ ને પહેલા, ગામ ને શિખામણ આપતો)
 • એક બહેન લંડન થી કહે છે કે અમારા બધા હેડસેટ અહી લંડન માં મસ્ત ચાલે છે. તમને જો જોવો ગમે તો ૫ MB નો .bmp ફોટો મોકલું?
 • એક ભાઈ એ એના જવાબ માં પૂછ્યું છે કે હા તમારી મહેરબાની થશે જો મોકલશો તો. અને લંડન માં હાલ હવામાન કેવુંક છે? (તું અહિયાં ની કર ને ટોપા, લંડન જાણે રોજ સવારે જઈને સાંજે પાછું આવવાનું હોય એમ ચિંતા કરતો ખોટો)
 • બીજા એક ભાઈ આશા વ્યક્ત કરે છે કે હવે લંડન માં રાખ ના વાદળો વિખેરાઈ ગયા હશે.
 • આ ભાઈ કહે છે કે મિનેસોટા માં પણ અમારા બધા હેડસેટ, થોડા ઠંડા હોવા છતાં બહુ સરસ ચાલે છે. પણ અમારું ૩ કાણા વાળું પંચ ખોવાઈ ગયું છે. કોઈ એ જોયું છે? ( હા ડોફા, છેલ્લી વાર જયારે કોઈક ન્યુ-યોર્ક થી ત્યાં આવ્યું હશે ત્યારે લેતું આવ્યું હશે).
 • આ સાહેબ કહે છે કે, રાખ ના વાદળો માં હેડસેટ વાપરવું ખતરનાક છે. ચાલો આપણે બધા એક કવિતા ચાલુ કરીએ આ નાચીઝ હેડસેટ ના માન માં.
 • અને આ ભાઈ ની સમસ્યા કંઈક જુદી છે. એ કહે છે કે મેં મારું હેડસેટ કોમ્પ્યુટર ની આગળ આવેલા કાણા માં નાખ્યું તો કંઈક વિચિત્ર અવાજ આવ્યો અને હવે મારું આખું ક્યુબીકલ પ્લાસ્ટિક બળતું હોય એવી વાસ મારે છે. મહેરબાની કરી ને કોઈક મદદ કરો.
 • એટલે એના જવાબ માં એક ભાઈ કહે છે કે પ્રોબ્લેમ ટીકીટ ઓપન કરો.
 • આ બધા માં વચ્ચે વચ્ચે ઘણા લોકો એ પોતાના “રીપ્લાય ટુ ઓલ ના કરો” એવા સામાન્ય જ્ઞાન ની વહેચણી ચાલુ જ રાખી હતી અલબત્ત બધા ને “CC” માં નાખી ને.

લાગે છે કે આ વખતે ઈ-મેઈલ એડમીન એ આગોતરા પગલા લઇ ને આ ચેઈન ને વધુ લાંબી નથી થવા દીધી કારણ કે હાલ પૂરતા તો કોઈ ના મેઈલ આવતા બંધ થયા છે.(આ વખતે મેં મારા તરફ થી ફાળો આપવાની ઘસી ને ના પાડી દીધી છે.)

વાહ! મારા બેટા ની સિક્સર…

Posted in અંગત, હાસ્ય by અશ્વિન on મે 25, 2009

ત્રણ દિવસ ના લોંગ વિકએન્ડમાં મારા મિત્ર પરેશ ને ત્યાં કનેક્ટીકટ ગયા હતા.
આ ઉનાળાનું પહેલું, સારા હવામાનવાળું, લોંગ વિકએન્ડ હોવાથી રસ્તા પર વાહનો નો ચક્કાજામ સર્જાયો હતો. ૧૩૪ માઈલનું અંતર કાપવા માટે ખાસ્સા ૪-૪.૫ કલાક નો સમય લાગ્યો.
એટલે રસ્તામાં એક સર્વિસ એરિયામાં થોડા હળવાફૂલ થવા થોડીક વાર રોકાયા.
ત્યાં એક આઈસ્ક્રીમની દુકાન પર લાગેલા આઈસ્ક્રીમના રળિયામણા દ્રશ્યો(ફોટા) જોઇને મારો ત્રણ વર્ષનો પુત્ર દેવ બોલ્યો – “મમ્મી, અહિયાં આઈસ્ક્રીમ ના હોય પણ ખાલી એના ફોટા જ હોય ને?”
હું અને મારી પત્ની, એની વાત સાંભળીને ઘણું હસ્યા અને એ પણ યાદ આવ્યું કે આવું ક્યારેક અમે એને, એ જયારે વધુ નાનો હતો અને તેને શરદી હતી ત્યારે, એકાદ વાર કહેલું. મારા બેટા ને બધું બરાબર યાદ છે હો માળું અને બધું હવે અમારી પર ઠોકે છે લાગ જોઈ જોઈ ને.
દેવ

મારો પુત્ર દેવ

ઍક હતું હાડકું…

Posted in શું વાત કરો છો, હાસ્ય by અશ્વિન on મે 13, 2009

ગુજરાતી ભાષામાં વ્યાકરણ ઘણું મહત્વનું છે અને અલ્પવિરામ, પૂર્ણવિરામ વગેરે પણ બહુ જરૂરી છે તે આપણે બધા જાણીઍ છીઍ.

ગુજરાત મિત્ર પેપર માં ૧૩ મે, ૨૦૦૯ ના દિવસે ઍક સમાચાર હતાં કે વિશ્વની સૌથી વૃધ્ધ મહિલા નું મોત.
આ સમાચાર માં નીચે, નાના મથાળામાં ઍવી માહિતી આપી છે કે આ મહિલા બાથરૂમમાં પડી જવાથી તેનાં થાપાનું હાડકું ભાંગ્યુ હતું.
પણ વ્યાકરણ ના અપુરતા ઉપયોગ થી પહેલી નજરે ઍવુ લાગે છે કે ઍમનુ હાડકુ પડી ગયું અને ભાંગી ગયુ.
આમ ને આમ જ જો આપણા શરીરનાં અંગો માંથી હાડકા પડી જવાનું ચાલુ રહેશે તો ઘણી મુશ્કેલી સર્જાશે.
આપણાં દેશનાં બાથરૂમો, લોકોનાં હાડકાઓથી ઉભરાઇ જવાનો ભય રહેલો છે દોસ્તો.
આ તકલીફના નિવારણ માટે નીચેનાં ઉપાયોમાંથી કોઈ પણ ઍક ઉપાય અમલમાં મુકવાનું વિચારી શકાય –

  ૧. હાડકા નંખાવવાનુ બંધ કરો.
  ૨. બાથરૂમ બનાવવાનું બંધ કરો.
  ૩. બાથરૂમમાં જવાનું બંધ કરો.
  ૪. બાથરૂમમાં સ્ટાઈલ(ટાઈલ્સ) ની બદલે કારપેટ નંખાવવાનું રાખો જેથી હાડકું ભાંગે નહીં.
  ૫. બાથરૂમમાં જતાં પહેલા, હાડકાનું બરાબર પડીકું વાળીને કબાટમાં મુકી દો અને કામ પત્યા પછી પહેરી લો.

કેવો અર્થ નો અનર્થ!!

  oldest woman

શીર્ષક ની લટાર – ૨

Posted in શીર્ષક ની લટાર, હાસ્ય by અશ્વિન on મે 7, 2009

સમાચારપત્રો માં આવતાં શીર્ષકોની ફરી ઍક વાર લટાર લઈઍ મિત્રો.

 • સોનિયા ની ચેન્નઈ-પોંડિચેરી માં યોજાનારી ચૂંટણી સભા મોકૂફ
  • સારુ કર્યુ માડી બાકી આ પ્રદેશો માં જે થોડા ઘણા લોકો ભાંગલુ-તુટલુ હિન્દી બોલ છે ઍ ય ગોથા ખાઈ જાત કે યાર આ ને હિન્દી બહુ મસ્ત આવડે છે ને આપણે ઢગ્ગા થયા તોયે નો આવડ્યુ હજી.
 • ભાજપ ને કદી ટેકો નહીં: ઑમર
  • ઑ…….મર ટેકા વગર બીજુ શુ. આને ઍના બાપુજી છેક સુધી ટેકો આપશે ઍની ગેરંટી ખરી? શું હાલી નીકળતા હશે ધોયેલા મુળા જેવા.
 • લાલુ નો મિડીયાકર્મીઓ સાથે અશિસ્ત વ્યવહાર
  • ઍલા રાબડી માડી મારશે શું મન્ડાણો છો આમ ખુલ્લે આમ ચૉક માં ગરબે રમવા. મન માં ઉભરાતા ધખારા શાંત રાખો લાલિયા.
 • મનીષા કોઈરાલા બંધ રૂમ માં “હીટ-યોગા” કરે છે!
  • તરત હીટ થઈ જાય ઍવી વાત!! રૂમ કેમ બંધ રાખે છે પણ ઍલી. લૉક-દર્શન માટે ખુલ્લો મુકો રૂમ જેથી લોકો હીટ થયેલા તમારા યોગ નું આહલાદક દ્રશ્ય જોઈ શકે. ઑછા માં ઑછુ લોકો પોતાની આંખો વડે યોગ કરી શકે ઍટલુ તો કરી આપો. બહાર ધોમ-ધખતા તડકા માં યોગ કરો તો ઍને પણ હીટ-યોગ ના કહેવાય?
 • મલ્લિકા શેરાવત ના નામ ઉપર મિલ્ક-શેક તૈયાર થયું!
  • બસ ઍક નિર્દોષ મિલ્ક-શેક જ બાકી હતું. આમાં યે હવે આવડી આનુ નામ!!. આમ તો મિલ્ક-શેક ઍકદમ ઘટ્ટ હોય પણ આના નામ વાળુ મિલ્ક-શેક ઍકદમ ક્લિયર અને પારદર્શક હશે કદાચ. મિલ્ક-શેક ના નામ પર ધબ્બો છે આ દોસ્તો.
 • કેટરીના હવે અંગપ્રદર્શન નહી કરે
  • નો કોમેન્ટ્સ. શીર્ષક પોતે જ પોતાની લટાર છે અહીંયા.
 • કોલકાતા ના કંગાળ પ્રદર્શન ના પગલે હવે કોચ બ્યુકેનનની હકાલપટ્ટી નિશ્ચિત
  • બસ ધરાઈ ગ્યા ઍનાથી? તો પહેલા ક્યાં ગ્યા તા? ના ના, કહુ છુ રાખો હજી ઍને અને મેચુ નો હોય તોય ઍની ટીપ્સૂ લીધા રાખો. હકાલપટ્ટી થયા પછી રખડપટ્ટી વધી જશે કાકા ની(નોકરી માટે).

  શીર્ષક ની લટાર – ૧

  Posted in શીર્ષક ની લટાર, હાસ્ય by અશ્વિન on એપ્રિલ 29, 2009

  સમાચાર પત્રો માં આવતા શીર્ષકો ને જરા જુદી રીતે જોઇઍ.

  તીન પત્તીના સેટ પર અમિતાભ હતાશ અને ચિંતિત ?
  કેમ ભા….ય, બાજી હારી ગ્યા ઍટલે કે સામેવાળો હાર્યો ઍટલે? આ ઉંમરે હવે શુ તોડી લેવુ છે તે આટલા બધા ચિંતિત થાવ છો. ટેસડો કરો ને છોકરાવ ને રમવા દ્યો કહુ છુ.

  રિતિક અને ઝાયેદને લઇને સંજય ખાન શું કરે છે ?
  હેં? હાય મા ક્યો ને શુ કરે છે?… ઍવુ તે શુ કરતો હશે ઈવડો ઈ આ બેય ને લઈ ને?

  ફિલ્મના શૂટિંગમાં રિતિકે અપશબ્દ ઉચ્ચારતાં ખળભળાટ
  ઓહ!!. બહુ ડેન્જર માણસ છે આ તો. કેવા પ્રકાર ના શબ્દો હતા ઈ અને ખળભળાટ પામેલા ટોળા કયા પ્રકાર ના હતા ત્યાં તેની તપાસ થવી જોઈયે. ઍનજીઑ અને સૂતળીવાળી ઍ તપાસ કરવી જોઈયે કે ઈ શબ્દો સાંપ્રદાયિક હતા કે બિનસાંપ્રદાયિક.

  સલ્લુ-કેટરિનાની જોડી છૂટી પડી રહી છે ?
  આ….હ. જનતા જનાર્દન માટે ઍક પ્રોત્સાહક જાહેરાત કહી શકાય. તમે યથા શક્તિ મુજબ નંબર લગાવો તમતમારે.

  હવે હું ગમે તેવા રોલ સ્વીકારવાની નથીઃ રવીના ટંડન
  આ લ્લે લે. ઍટલે આવડી આ હજી રોલ વાળા જૂના કેમેરા વાપરે છે? સારુ ભાઈ સારુ. સારી કંપનીઓ ના રોલ લ્યો ત્યારે બીજુ શુ.
  પણ સારૂ થયુ કે આણે “ઘણા” બધા “ગમે” ઍવા રોલ લીધા અને ઍટલે જ ફોટા “ગમે” ઍવા આવતા હતા તેનાથી સહમત તો છે.

  ટ્રાફિક પોલીસે મેમો આપતાં ગૃહમંત્રીનું રાજીનામુ !!
  આપણે ત્યાં તો આ બે માંથી કોઈ ઍકેય વસ્તુ આપવામા માનતા નથી…ખાલી લયા જ કરે. અને બીજા નંબર ના ભાઈ ને તો ગમે તેટલુ આપીયે તોયે રાજી થઈ ને છોકરાવ ને ઍક બરફ નો ગોળો ય ના લઈ દે.

  ઇલેક્ટ્રિક કાર રંગ લાવશે
  આ સારૂ હો ભાયુ. પણ કેપૅસિટી કેટલીક હશે અને ઍક સાથે કેટલા ગૅલન/લિટર રંગ લાવી શકશે આ વિધ્યુત ગાડી?

  પાંચ મે પહેલાં મુંબઇ પરના હુમલાની તપાસ પૂરી કરોઃ પાક અદાલતનો આદેશ
  આદેશ? કયો દેશ? આ તો ચોર ચોરી કરે ને પછી આપણે સૂતા હોઈયે ને જગાડે કે ઉઠ હવે અને તપાસ કરી ને કહે કે કુલ કિંમત કેટલી છે મારા ચોરી ના માલ ની ઍટલે મારે ગણવુ નહી. આને કહેવાય ઉંઘતા ઝડપાયા.

  ‘ સ્વાત વેલીમાં અમે અલ કાયદાને નહીં સાંખી લઇએ’
  સારૂ થયુ કીધુ કે અત્યાર સુધી ખોળામાં બેસાડીને બહુ રમાડ્યા. હવે મોટા થઈ ગયા છો ઍટલે તમારી જાતે રમો બાકી અમે બેઠા જ છીઍ.

  મત નો માંગણ

  Posted in રાજકીય, હાસ્ય by અશ્વિન on એપ્રિલ 29, 2009

  “ભાય હમણાં તો આ ચૂંટણીવાળાવે થક્વાડ્યા સે”
  “હા ટીવીમાં યે ઈ ના ઇ જ જ્યારે જોવો ત્યારે. ફલાણાએ ઢીકણાને આમ કીધું ને કોક ને બૂટ માર્યુ ને આમ ઓલ્યા ઈ સલીપર નો ઘા કરિયો”
  “અરે હાવ મત હાટુ હડકાયા કુતરાની જેમ હડીયુ કાઢે સે”
  “આ ભવાયા-રમત પુરી થાય તો હારુ ભાય!”
  રામજીભાઈ અને ભીમાકાકા આવી વાતો કરતા હતા ત્યાં એક ટોળકી એક પક્ષના ઉમેદવાર માટે પ્રચાર કરવા આવી પહોંચી અને એમાથી લત્તાનો આગેવાન હીમતો બોલ્યો
  “ભીમાકાકા, આ ગુરુવારે આવી પુગવાનુ સે હો!”
  “ક્યાં ગુડાવાનુ સે પણ? હુ નોતરા દેવા મંડ્યો સે જાણે તારો દિકરો પવણવાનો હોય ને હાગમટે જમવા બોલાવતો હોય ઍમ?”
  “અરે, મત દેવા. આપણા ઉમેદવાર ને જ મત દેવાનો સે. પંજાને જ મત દેવાનો સે”
  “હીમતા, તુ તારા બાપાની જેમ કૂચો ખાંડવાનુ બંધ કર ને પેલા નક્કી કર કે તારો ઉમેદવાર કોણ તો અમને કાંક સુઝકો પડે. તુ બે દિ’ પેલા આવીને કમળમાં શિકકો મારવાનુ કહી ગ્યો તો ને હવે જુદો ઉપાડો લીધો પાસો. અમને તો કાંક સર સુઝવા દે કે હુ કરવું.”
  ભીમાકાકાએ બોલવામા રોકડા સંભળાવીને હીમતાની માણસો વચ્ચે આબરુ કાઢી.
  જો કે બધા જાણતા જ હતા કે હીમતો પૈસા લઈને ગમે તેની સાથે પ્રચાર કરવા જતો.
  તેણે રામજીભાઈના હાથમા સસ્તા ભાવમા છપાવેલા, ઘાસલેટ જેવા ગંધાતા થોડા ચોપાનીયા પકડાવ્યા જેની ઉપર ઉમેદવાર અને પંજાના નિશાનના ફોટા હતા.
  રામજીભાઈએ ચોપાનીયા જોઈને પોતાની એક શંકા રજુ કરી.
  “ઍલા હીમતા, ઍક લઘુ શંકા સે.”
  હીમતો બોલ્યો, “રામજીભાઈ, ઍમા મને પુશીને નો જાવાનુ હોય તમતમારે જયાવો નિરાંતે.”
  “હાળા હીમતા, હુ જાવા વાળી શંકા ની વાત નોતો કરતો. આ આમાં પંજાનો હાથ ઠુઠો કેમ સે?”
  “અરે ઈ તો અમારા ઉમેદવારની બે આંગળીઓ દાઝી ગઈ તી તે …..”
  “તે હળગતામા હાથ હુ લેવા હલવાડવા જાતા હોય ?” ભીમાકાકાએ ઘા કર્યો.
  બધા શરમાઈ ગયા.
  રામજીભાઈએ પોતાની એક રજુઆત મુકી “તમે મત મત કરો સો પણ અમારું આ એક કામ કરો. આ મંગલો કેટલાય ટાઈમથી શેરીની ગટર સાફ કરવા નથ આવ્યો. એનું કાંક કરો તમારી ચૂંટણી પેલા જ”
  “રામજીભાઈ ન્યાં તમે ભૂલ ખાધી. આ ચૂંટણી તો દિલ્લીની એમાં ગટરનું કાંય નો હોય”.
  “અરે ગટરનુ હોય કે ઉકરડાનું! દિલ્લીની હોય તો દિલ્લીમા જઈને મત માંગો અમારી પત્તર હુ કરવાને ઠોકો સો? અમારુ કામ નો કરવુ હોય તો હાલતીના થાવ અહિયાથી. એક ગટર સાફ નો થાય તો તમને ચૂંટીને હુ ગુમડે ઘસવા? પંજે મત દેજો ને કોણીએ દેજો ને, વેલાહર હાલવા મંડો બાકી ગાલ ઉપર બે-બે દેશુ હવે” ભીમાકાકા તાડુક્યા.

  વધુ આબરુનો ફજેતો કરાવવા કરતા બધાએ ત્યાંથી ભાગવામાં જ ડહાપણ સમજ્યું.

  — મારો અને મારા મિત્ર કમલેશ નો હાલ ની પરિસ્થિતિ પર કટાક્ષ નો ઍક પ્રયત્ન