દેશી ધમાચકડી

ચાલો ઈ-મેઈલ ઈ-મેઈલ રમીએ…

Posted in રમત-ગમ્મત, શું વાત કરો છો, હાસ્ય by અશ્વિન on એપ્રિલ 28, 2010

આજે ફરી એક વાર ઓફીસ માં ધૂમ મચી છે. લોકોમાં હરીફાઈ લાગેલી છે કે કોણ આ સ્પામ જેવી એક ઈ-મેઈલ ચેઈન ને વધુ લાંબી કરે.

વાત એમ બની છે કે થોડા દિવસ પહેલા કોઈ એક ગ્રુપ ના વ્યક્તિ એ કંઈક ઈ-મેઈલ કરેલો અને “CC” ના ખાના માં જનરલ ઈ-મેઈલ ગ્રુપ આઈડી માનું એકાદ મુકેલું.
હવે આ ઈ-મેઈલ લાગતા-વળગતા લોકો અને એના સિવાય બીજા ઘણા હજારો લોકો ને પહોંચી ગયો.

વિધિ ની વક્રતા તો જુઓ કે તે દિવસે શુક્રવાર હતો અને પબ્લિક બધી મૂડમાં હતી.
થોડી વાર તો ઈ-મેઈલ નો ભાવ કોઈ એ પૂછ્યો નહિ પણ પછી એક જણા એ રીપ્લાય ટુ ઓલ કરી ને કહ્યું કે મને આ ઈ-મેઈલ સાથે કોઈ લેવા-દેવા નથી આથી મારા જેવા નિર્દોષ માનવી ને આ ઈ-મેઈલ મેળવનાર ની યાદીમાંથી મહેરબાની કરી ને કાઢો.

બસ પછી શું. પછી તો જાણે આગ લાગી.

બીજા એક વ્યક્તિ એ વળી પાછું રીપ્લાય ટુ ઓલ કરી ને કહ્યું કે મને પણ કાઢો, ત્રીજા એ, ચોથા એ એમ લોકો માંડ્યા ઈ-મેઈલ મોકલવા.
વળી એક જણા એ જાણે બહુ મોટો ઈ-મેઈલ નો જાણકાર હોય એમ કહ્યું કે મહેરબાની કરી ને રીપ્લાય ટુ ઓલ ના કરો પણ બીજા બધા ને “BCC” માં નાખો. આ મહાશયે પોતે બધા ને “CC” માં નાખેલા જો કે.

ઘણા લોકો એ બૂમ પાડી કે,

  આ અન્યાય છે, ને અપમાન છે, ને કોઈ છે અહી જે આ ચેઈન ને બંધ કરાવે, કોઈ ઈ-મેઈલ સર્વર ના એડમીન ને જાણ કરો, શુક્રવાર ની બપોર એકદમ કંટાળાજનક હતી પણ હવે નથી, ને બહુ મજા આવે છે ને એવું બધું જાત જાત નું.


બધા એ પોત પોતાની યથા શક્તિ વડે ફાળો આપી ને એ ઈ-મેઈલ ચેઈન ને પૂરે પૂરો ન્યાય આપ્યો. ( મેં પણ ફૂલ નહિ તો ફૂલ ની પાંખડી ના ધોરણે ફાળો આપેલો)
જોત જોતા માં ૧૫૦૦-૨૦૦૦ ઈ-મેઈલ થી બધા ના મેઈલબોક્ષ ભરાઈ ગયા અને શુક્રવાર ની બપોર બધા માટે આનંદદાયક બની રહી.
તા.ક. એ બધા ઈ-મેઈલ મેં કાઢી નાખેલા એટલે વધુ યાદ નથી કે એમાં લોકો એ કેવું કેવું હાસ્યાસ્પદ લખેલું.

પણ આજે ફરીથી ઈતિહાસ નું પુનરાવર્તન થયું છે – થોડા નાના પાયા પર જો કે.

શું બન્યું આજે?
થયું એવું કે એક અઠવાડિયા પહેલા અમારી ઓફીસ ના કેમ્પસમાં ના બધા ફોન બદલવામાં આવ્યા હતા.
પણ તે પછી બધા ના હેડસેટ કામ કરતા બંધ થઇ ગયા અને બધા એ આ બાબત ની ફરિયાદ કરેલી.

આનું નિરાકરણ આવતા, એડમીન વિભાગ માંથી એક વ્યક્તિ એ બધા ને ઈ-મેઈલ કરી ને જાણ કરી કે તમારા હાલ ના હેડસેટ ની માહિતી આપો એટલે આપણે એની માટે એડેપ્ટર લગાવીએ.
આ વ્યક્તિ એ પણ પહેલા વાળા કેસ ની જેમ બધા નું જે જનરલ ઈ-મેઈલ ગ્રુપ આઈડી છે તેને “CC” માં નાખવાની ગુસ્તાખી કરી.

ફરી થી કાળ નું ચક્ર ચાલુ થયું અને એક જણે રીપ્લાય ટુ ઓલ કરી ને પોતાના હેડસેટ ની માહિતી આપી.

ચાલો જોઈએ આ પછી બીજા ઈ-મેઈલ માં લોકો એ શું શું લખ્યું:

 • રીપ્લાય ટુ ઓલ કરી ને જ બીજા એક ભાઈ સામાન્ય જ્ઞાન વહેચતા કહે છે કે તમારો ઈ-મેઈલ તમારી અને તમારે જેની સાથે વાત કરવી હોય તેના પુરતો જ સીમિત રાખો. ( ભાઈ તું રાખ ને પહેલા, ગામ ને શિખામણ આપતો)
 • એક બહેન લંડન થી કહે છે કે અમારા બધા હેડસેટ અહી લંડન માં મસ્ત ચાલે છે. તમને જો જોવો ગમે તો ૫ MB નો .bmp ફોટો મોકલું?
 • એક ભાઈ એ એના જવાબ માં પૂછ્યું છે કે હા તમારી મહેરબાની થશે જો મોકલશો તો. અને લંડન માં હાલ હવામાન કેવુંક છે? (તું અહિયાં ની કર ને ટોપા, લંડન જાણે રોજ સવારે જઈને સાંજે પાછું આવવાનું હોય એમ ચિંતા કરતો ખોટો)
 • બીજા એક ભાઈ આશા વ્યક્ત કરે છે કે હવે લંડન માં રાખ ના વાદળો વિખેરાઈ ગયા હશે.
 • આ ભાઈ કહે છે કે મિનેસોટા માં પણ અમારા બધા હેડસેટ, થોડા ઠંડા હોવા છતાં બહુ સરસ ચાલે છે. પણ અમારું ૩ કાણા વાળું પંચ ખોવાઈ ગયું છે. કોઈ એ જોયું છે? ( હા ડોફા, છેલ્લી વાર જયારે કોઈક ન્યુ-યોર્ક થી ત્યાં આવ્યું હશે ત્યારે લેતું આવ્યું હશે).
 • આ સાહેબ કહે છે કે, રાખ ના વાદળો માં હેડસેટ વાપરવું ખતરનાક છે. ચાલો આપણે બધા એક કવિતા ચાલુ કરીએ આ નાચીઝ હેડસેટ ના માન માં.
 • અને આ ભાઈ ની સમસ્યા કંઈક જુદી છે. એ કહે છે કે મેં મારું હેડસેટ કોમ્પ્યુટર ની આગળ આવેલા કાણા માં નાખ્યું તો કંઈક વિચિત્ર અવાજ આવ્યો અને હવે મારું આખું ક્યુબીકલ પ્લાસ્ટિક બળતું હોય એવી વાસ મારે છે. મહેરબાની કરી ને કોઈક મદદ કરો.
 • એટલે એના જવાબ માં એક ભાઈ કહે છે કે પ્રોબ્લેમ ટીકીટ ઓપન કરો.
 • આ બધા માં વચ્ચે વચ્ચે ઘણા લોકો એ પોતાના “રીપ્લાય ટુ ઓલ ના કરો” એવા સામાન્ય જ્ઞાન ની વહેચણી ચાલુ જ રાખી હતી અલબત્ત બધા ને “CC” માં નાખી ને.

લાગે છે કે આ વખતે ઈ-મેઈલ એડમીન એ આગોતરા પગલા લઇ ને આ ચેઈન ને વધુ લાંબી નથી થવા દીધી કારણ કે હાલ પૂરતા તો કોઈ ના મેઈલ આવતા બંધ થયા છે.(આ વખતે મેં મારા તરફ થી ફાળો આપવાની ઘસી ને ના પાડી દીધી છે.)

Advertisements