દેશી ધમાચકડી

શીર્ષક ની લટાર – ૧

Posted in શીર્ષક ની લટાર, હાસ્ય by અશ્વિન on એપ્રિલ 29, 2009

સમાચાર પત્રો માં આવતા શીર્ષકો ને જરા જુદી રીતે જોઇઍ.

તીન પત્તીના સેટ પર અમિતાભ હતાશ અને ચિંતિત ?
કેમ ભા….ય, બાજી હારી ગ્યા ઍટલે કે સામેવાળો હાર્યો ઍટલે? આ ઉંમરે હવે શુ તોડી લેવુ છે તે આટલા બધા ચિંતિત થાવ છો. ટેસડો કરો ને છોકરાવ ને રમવા દ્યો કહુ છુ.

રિતિક અને ઝાયેદને લઇને સંજય ખાન શું કરે છે ?
હેં? હાય મા ક્યો ને શુ કરે છે?… ઍવુ તે શુ કરતો હશે ઈવડો ઈ આ બેય ને લઈ ને?

ફિલ્મના શૂટિંગમાં રિતિકે અપશબ્દ ઉચ્ચારતાં ખળભળાટ
ઓહ!!. બહુ ડેન્જર માણસ છે આ તો. કેવા પ્રકાર ના શબ્દો હતા ઈ અને ખળભળાટ પામેલા ટોળા કયા પ્રકાર ના હતા ત્યાં તેની તપાસ થવી જોઈયે. ઍનજીઑ અને સૂતળીવાળી ઍ તપાસ કરવી જોઈયે કે ઈ શબ્દો સાંપ્રદાયિક હતા કે બિનસાંપ્રદાયિક.

સલ્લુ-કેટરિનાની જોડી છૂટી પડી રહી છે ?
આ….હ. જનતા જનાર્દન માટે ઍક પ્રોત્સાહક જાહેરાત કહી શકાય. તમે યથા શક્તિ મુજબ નંબર લગાવો તમતમારે.

હવે હું ગમે તેવા રોલ સ્વીકારવાની નથીઃ રવીના ટંડન
આ લ્લે લે. ઍટલે આવડી આ હજી રોલ વાળા જૂના કેમેરા વાપરે છે? સારુ ભાઈ સારુ. સારી કંપનીઓ ના રોલ લ્યો ત્યારે બીજુ શુ.
પણ સારૂ થયુ કે આણે “ઘણા” બધા “ગમે” ઍવા રોલ લીધા અને ઍટલે જ ફોટા “ગમે” ઍવા આવતા હતા તેનાથી સહમત તો છે.

ટ્રાફિક પોલીસે મેમો આપતાં ગૃહમંત્રીનું રાજીનામુ !!
આપણે ત્યાં તો આ બે માંથી કોઈ ઍકેય વસ્તુ આપવામા માનતા નથી…ખાલી લયા જ કરે. અને બીજા નંબર ના ભાઈ ને તો ગમે તેટલુ આપીયે તોયે રાજી થઈ ને છોકરાવ ને ઍક બરફ નો ગોળો ય ના લઈ દે.

ઇલેક્ટ્રિક કાર રંગ લાવશે
આ સારૂ હો ભાયુ. પણ કેપૅસિટી કેટલીક હશે અને ઍક સાથે કેટલા ગૅલન/લિટર રંગ લાવી શકશે આ વિધ્યુત ગાડી?

પાંચ મે પહેલાં મુંબઇ પરના હુમલાની તપાસ પૂરી કરોઃ પાક અદાલતનો આદેશ
આદેશ? કયો દેશ? આ તો ચોર ચોરી કરે ને પછી આપણે સૂતા હોઈયે ને જગાડે કે ઉઠ હવે અને તપાસ કરી ને કહે કે કુલ કિંમત કેટલી છે મારા ચોરી ના માલ ની ઍટલે મારે ગણવુ નહી. આને કહેવાય ઉંઘતા ઝડપાયા.

‘ સ્વાત વેલીમાં અમે અલ કાયદાને નહીં સાંખી લઇએ’
સારૂ થયુ કીધુ કે અત્યાર સુધી ખોળામાં બેસાડીને બહુ રમાડ્યા. હવે મોટા થઈ ગયા છો ઍટલે તમારી જાતે રમો બાકી અમે બેઠા જ છીઍ.

મત નો માંગણ

Posted in રાજકીય, હાસ્ય by અશ્વિન on એપ્રિલ 29, 2009

“ભાય હમણાં તો આ ચૂંટણીવાળાવે થક્વાડ્યા સે”
“હા ટીવીમાં યે ઈ ના ઇ જ જ્યારે જોવો ત્યારે. ફલાણાએ ઢીકણાને આમ કીધું ને કોક ને બૂટ માર્યુ ને આમ ઓલ્યા ઈ સલીપર નો ઘા કરિયો”
“અરે હાવ મત હાટુ હડકાયા કુતરાની જેમ હડીયુ કાઢે સે”
“આ ભવાયા-રમત પુરી થાય તો હારુ ભાય!”
રામજીભાઈ અને ભીમાકાકા આવી વાતો કરતા હતા ત્યાં એક ટોળકી એક પક્ષના ઉમેદવાર માટે પ્રચાર કરવા આવી પહોંચી અને એમાથી લત્તાનો આગેવાન હીમતો બોલ્યો
“ભીમાકાકા, આ ગુરુવારે આવી પુગવાનુ સે હો!”
“ક્યાં ગુડાવાનુ સે પણ? હુ નોતરા દેવા મંડ્યો સે જાણે તારો દિકરો પવણવાનો હોય ને હાગમટે જમવા બોલાવતો હોય ઍમ?”
“અરે, મત દેવા. આપણા ઉમેદવાર ને જ મત દેવાનો સે. પંજાને જ મત દેવાનો સે”
“હીમતા, તુ તારા બાપાની જેમ કૂચો ખાંડવાનુ બંધ કર ને પેલા નક્કી કર કે તારો ઉમેદવાર કોણ તો અમને કાંક સુઝકો પડે. તુ બે દિ’ પેલા આવીને કમળમાં શિકકો મારવાનુ કહી ગ્યો તો ને હવે જુદો ઉપાડો લીધો પાસો. અમને તો કાંક સર સુઝવા દે કે હુ કરવું.”
ભીમાકાકાએ બોલવામા રોકડા સંભળાવીને હીમતાની માણસો વચ્ચે આબરુ કાઢી.
જો કે બધા જાણતા જ હતા કે હીમતો પૈસા લઈને ગમે તેની સાથે પ્રચાર કરવા જતો.
તેણે રામજીભાઈના હાથમા સસ્તા ભાવમા છપાવેલા, ઘાસલેટ જેવા ગંધાતા થોડા ચોપાનીયા પકડાવ્યા જેની ઉપર ઉમેદવાર અને પંજાના નિશાનના ફોટા હતા.
રામજીભાઈએ ચોપાનીયા જોઈને પોતાની એક શંકા રજુ કરી.
“ઍલા હીમતા, ઍક લઘુ શંકા સે.”
હીમતો બોલ્યો, “રામજીભાઈ, ઍમા મને પુશીને નો જાવાનુ હોય તમતમારે જયાવો નિરાંતે.”
“હાળા હીમતા, હુ જાવા વાળી શંકા ની વાત નોતો કરતો. આ આમાં પંજાનો હાથ ઠુઠો કેમ સે?”
“અરે ઈ તો અમારા ઉમેદવારની બે આંગળીઓ દાઝી ગઈ તી તે …..”
“તે હળગતામા હાથ હુ લેવા હલવાડવા જાતા હોય ?” ભીમાકાકાએ ઘા કર્યો.
બધા શરમાઈ ગયા.
રામજીભાઈએ પોતાની એક રજુઆત મુકી “તમે મત મત કરો સો પણ અમારું આ એક કામ કરો. આ મંગલો કેટલાય ટાઈમથી શેરીની ગટર સાફ કરવા નથ આવ્યો. એનું કાંક કરો તમારી ચૂંટણી પેલા જ”
“રામજીભાઈ ન્યાં તમે ભૂલ ખાધી. આ ચૂંટણી તો દિલ્લીની એમાં ગટરનું કાંય નો હોય”.
“અરે ગટરનુ હોય કે ઉકરડાનું! દિલ્લીની હોય તો દિલ્લીમા જઈને મત માંગો અમારી પત્તર હુ કરવાને ઠોકો સો? અમારુ કામ નો કરવુ હોય તો હાલતીના થાવ અહિયાથી. એક ગટર સાફ નો થાય તો તમને ચૂંટીને હુ ગુમડે ઘસવા? પંજે મત દેજો ને કોણીએ દેજો ને, વેલાહર હાલવા મંડો બાકી ગાલ ઉપર બે-બે દેશુ હવે” ભીમાકાકા તાડુક્યા.

વધુ આબરુનો ફજેતો કરાવવા કરતા બધાએ ત્યાંથી ભાગવામાં જ ડહાપણ સમજ્યું.

— મારો અને મારા મિત્ર કમલેશ નો હાલ ની પરિસ્થિતિ પર કટાક્ષ નો ઍક પ્રયત્ન

ઍકદમ સાચી વાત

Posted in સત્ય by અશ્વિન on એપ્રિલ 27, 2009

હમણા સ્વામી સચ્ચિદાનંદજી નુ વ્યાખ્યાન સાંભળતી વખતે બે વાત તેમણે બહુ સારી અને સાચી કહી.
૧. સાચી વાત કહેવા માટે બહુ આડંબર ની જરૂર નથી હોતી, સાચી વાત બહુ સરળ હોય છે અને બહુ સરળતાથી સમજાવી શકાય છે. પણ જ્યારે તમારી વાત મા સત્ય થોડુ અને બીજુ બધુ “ઘણુ” હોય છે ત્યારે તમારે ભાષા નો ઘણો બધો આડંબર કરવો પડતો હોય છે, બીજુ બધુ “ઘણુ” જોડવુ પડતુ હોય છે.

૨. શાસ્ત્રો માં લખ્યુ છે કે, હજાર ધર્મગુરુઑ ના સમજાવવાથી જે માણસ નથી સમજતો તેને ઍક સ્ત્રી જો તેની કલાત્મક રીતે સમજાવે તો પંદર મિનિટ માં સમજી જાય.

બીજા નંબર ની વાત આપણે બધા જાણીયે જ છીઍ પણ થોડીક તાજી થઈ જાય ઍટલે ઉલ્લેખ કર્યો અહી.

ચૂને ચૂને પે લિખા હે લગાનેવાલે કા નામ

Posted in શું વાત કરો છો, હાસ્ય by અશ્વિન on એપ્રિલ 23, 2009

હમણા ઍક થોડીક હટ કે(મારા માટે હટ કે, બાકી જે લોકો ઍ આમા પીઍચડી કર્યુ છે તેને માટે તો આ સદી ઑ પુરાણુ છે) વાત જાણવા મળી.
તમને ખબર હોય તો(હોય તો ઍટલે તમે કહેવા શુ માંગો છો…અમને બધી ખબર છે ભાઈ) આપણે જ્યારે કોઈ ને પત્ર લખીઍ ત્યારે ઍમા નીચે પ્રમાણે ના સ્ટેપ્સ આવે

1. કાગળ લખો.
2. કવર ઉપર વચ્ચે જેને પત્ર મોકલવાનો હોય તેનુ સરનામુ લખો.
3. કવર ઉપર ડાબી બાજુ ખૂણા માં લખનાર ઍટલે કે મોકલનાર નુ સરનામુ લખો.
4. અને પછી જરૂરી ટીકીટ(સ્ટેમ્પ) લગાડો.
5. ને પત્ર પોસ્ટ બૉક્સ માં નાંખી આવો(અહીયા અમેરિકામાં ત્રણ પેટી ઑ બાજુ બાજુ મા રાખી હોય જેમા ઍક ટપાલ પેટી હોય, ઍક રીલે પત્ર ની પેટી અને ત્રીજી કચરા પેટી હોય ને ઘણા અક્કલ ના મઠ્ઠા કચરા પેટી માં નાંખી આવે પત્ર)

સરસ, ચાલો પત્ર પોસ્ટ થઈ ગયો. હવે કરો ખાઈ પી(!!) ને જલસા.

પણ અહીયા અમેરિકા માં અમુક(ઉપર જણાવ્યા મુજબ ના પીઍચડી) લોકો કવર ઉપર સ્ટેમ્પ લગાડવાને બદલે ચૂનો લગાડે છે(ટપાલ ખાતા ને).

દાખલા તરીકે કોઈ ને ત્યાં ઍમના સુપુત્ર ના લગ્ન હોય અને 200-300 કંકોત્રી મહેમાનો ને પોસ્ટ કરવી હોય તો કેવી રીતે કરે.
ઉપર દર્શાવ્યા મુજબ ની પધ્ધતિ આ કિસ્સા માં નીચે મુજબ હોય-

1. કંકોત્રી માં નામ લખો.
2. કવર ઉપર વચ્ચે To માં પોતાનુ ઍટલે કે લખનાર નું સરનામુ ઠોકો.
3. કવર ઉપર ડાબી બાજુ ખૂણા માં From તરીકે જેને કંકોત્રી મોકલવી હોય તેનુ સરનામુ ઠોકો.
4. ટપાલ ખાતા ને ચૂનો લગાડવાનુ નક્કી કરો.
5. ને કંકોત્રી વાળુ કવર પોસ્ટ બૉક્સ મા નાંખી આવો(આ કેસ માં માનવી ઉપરોક્ત પદાર્થ કંકોત્રી તરીકે હોવાથી ભુલ કર્યા વગર 100% સાચુકલી પેટી માં જ નાંખશે)

હવે જ્યારે ટપાલ ખાતા પાસે આ વગર ટીકીટ ના નંગ આવે ત્યારે સીધો જ From વાળા સરનામા ઉપર સિક્કો લગાવે(કે લસણ, ટીકીટ તો લગાય) ને ઈ સરનામે મોકલી દે.

ઍ……….ય ને પછી ધૂબાકા.

જેને કંકોત્રી મોકલવાની છે તેને તો મળી ગઈ અને જેના લગ્ન થવાના છે ઍના થઈ પણ જશે જાહેર જનતા ને ચૂનો લગાડી લગાડી ને.

આવા સામાજ ઉપયોગી ઉત્પાદન ના કાર્યો મા પીઍચડી કરવા વાળી મોટા ભાગની પ્રજા ગુજરાતી હોય તેની ચોખવટ કરવી પડે ખરી?!!!

તમે આવુ નો કરતા અહીયા જોઈ ને હો બાપલા, નહિતર પોસ્ટ ખાતા વાળા મારો કાન્ઠ્લો પકડશે કે શું બધાને અળવીતરા ધંધા બતાવો છો બેઠા બેઠા…

હવે બીક લાગે છે…

Posted in કાવ્ય by અશ્વિન on એપ્રિલ 22, 2009

મારા મિત્ર કમલેશ ઍ લખેલી ઍક નાની કવિતા…

મને હવે ભલા માણસની બીક લાગે છે
તમારા છુપા રાજકારણની બીક લાગે છે

નથી જોતી મારે આ મહેરબાનીઑ તમારી
એમાં પણ કોઇ કાવાદાવા ની બીક લાગે છે

દૂર રાખો તમારી મધ ભરેલી શીશીઓ
મને એના કડવા ઘૂંટડાની બીક લાગે છે

હતી ખાતરી કદી દુશ્મનોની ખાનદાની પર
હવે તો ભેરુઓના ખુટાપણની(દગાની) બીક લાગે છે

તમારા એ ખટપટે તો પાણીમાં તાપ કર્યો
જગત આખું બળી જવાની બીક લાગે છે

ભલાઈ તમારી મને ના ખેંચો એ કાદવમાં
રાજકારણથી મને અભડાવાની બીક લાગે છે

Tagged with: , ,

કેટલો મહાન પક્ષ…!!!

Posted in રાજકીય by અશ્વિન on એપ્રિલ 21, 2009

અત્યારે ચૂંટણી નો માહોલ છે અને બધે ઍ જ ચર્ચા છે કે કઈ પાર્ટી કેવી ને કોણ જીતે તો સારૂ ને ઍવુ બધુ.
તમે જો ટીવી જોવા બેસો તો તમને થશે કે આ વખતે ચૂંટણી મા ફક્ત ઍક જ પાર્ટી ઍ ઉમેદવારી નોંધાવી છે.
ફક્ત ઍક જ પાર્ટી ના સમાચાર ને ગુણગાન ને ઍવુ બધુ ચાલ્યા કરે આખો દિવસ બધી ન્યુઝ ચેનલ્સ પર.
અને ન્યુઝ પેપર મા પણ આવુ જ બધુ ઍક જ પક્ષ નુ હોય છે.
આ બધુ ઍટલુ ચાલાકી પૂર્વક થતુ હોય છે કે કોઈ વ્યક્તિ કે જેને રાજકારણ મા બહુ રસ ના હોય અને વધુ જાણતો ના હોય પણ ખાલી પોતાનો વોટ આપવા જાય ઍને ઍમ જ લાગે કે વાહ આ જ પાર્ટી છે દેશ મા કે જે દેશ નીપરિસ્થિતિ ફેરવી શકે. બાકી આપણે તો જાણીઍ જ છીઍ કે ખરેખર તો પરિસ્થિતિ ફેરવે છે કે પથારી ફેરવી નાખે છે.
હા હુ ઍ પાર્ટી ની વાત કરુ છુ કે જેણે છેલ્લા 60 વર્ષ થીદેશ નીપથારી ફેરવી નાખી છે અને તોયે જનતા જનાર્દન સુરદાસ ની માફક વોટ આપ્યાજ કરે.
આ પક્ષ નો દિકરો કે જે ક્યાય ચાલે ઍમ નોતો ઍટલે રાજકારણ મા ઘુસ્યો કેમ કે ઍને ખબર છે કે આ દેશ ની પ્રજા ને ઉલ્લુ બનાવવી સાવ સહેલી છે.
પણ ઑ મા,દીકરા, દીકરી સાવધાન. આખી નવી યુવાપેઢી કે જેને તમે ગુમરાહ કરવા માંગો ચ્છો ઍનુ સામાન્ય જ્ઞાન અને સભાનતા ની કક્ષા તમારા ત્રણેય કરતા ઘણી વધારે છે અને તમને બહુ સરસ રીતે ગાલ પર તમાચો મારશે. તમારી તો દુકાન બંધ થઈ જ ગઈ સમજો.

પહેલુ પગથિયુ

Posted in હાસ્ય by અશ્વિન on એપ્રિલ 17, 2009

એ………રામ રામ કાઠીયાવાડી ભાયુ ના.
દેશી ધમાચકડી મા તમારા સંધાય નુ સ્વાગત છે બાપલા.
આંયા તમને ગુજરાતી મા રોજ ની ધમાચકડી ને માથાકુટ ને એવુ બધુ જોવા મળશે જેમા ઘણુ ખરુ કાઠીયાવાડી મા પણ હશે.

જુદા જુદા વિષય મા રોજ જુદી જુદી ચર્ચા પણ કરીશુ.

એક ચોખવટ કરી લઊ કે હુ અશોક દવે(ઈ કોણ એમ નહિ પુછતા હવે) નો જબરો ચાહક(એટલે કે ફેન યાર) છુ એટલે ક્યારેક એમના શબ્દો પણ જોવા મળે પણ તેમની નકલ કરવાનો કોઈ ઈરાદો નથી.

લ્યો ત્યારે અત્યારે રજા લઊ.
બોલો ખોડિયાર માત કી….જય.

Tagged with: , ,